ગિરનાર સનાતનીઓનો છે, ગિરનારનું સંરક્ષણ કરીને જ રહીશું : મહેશગીરી
આગામી તા. ર૩ એપ્રિલે ગીરનાર બચાવો અભિયાનની મહા રેલીમાં સનાતનીઓને મોટી સંખ્યામાં ઉમટી પડવા આહવાન કરતા મહેશગીરી બાપુ
જૂનાગઢ તા. ૧૭
જૂનાગઢ નજીક આવેલા પવિત્ર ગીરનાર ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમય થયા બની રહેલા બનાવોને લઈને સંતો, મહંતો, ધર્મપ્રેમી જનતા અને સનાતનીઓમાં ભારે આક્રોશ ફેલાયેલો છે. તાજેતરમાં જ રેકર્ડ સાથે ચેડા કરી અને ધાર્મિક જગ્યા પાસેની જમીન ફાળવી દેવામાં આવી હોવાની હીલચાલ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે અને જેને લઈને આગામી તા. ર૩ એપ્રિલનાં રોજ ગીરનાર બચાવો અભિયાન અંતર્ગત એક મહા રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ મહારેલીમાં જૂનાગઢવાસીઓ તેમજ ધર્મપ્રેમી જનતા, સનાતનીઓ તેમજ સંતો સહીત તમામને ઉમટી પડવા જૂનાગઢ ભુતનાથ મહાદેવ મંદિર અને ગીરનાર દત્તાત્રેય જગ્યાનાં મહંત મહેશગીરી બાપુ દ્વારા આહવાન કરવામાં આવેલ છે. અને તેઓએ ટકોર પણ કરી છે અને જણાવ્યું છે કે જાે આજે આપણે જાગશું નહી તો પછી તળેટીમાં પગ મુકવાનું પણ રહેશે નહી તેવી વ્યથા પણ રજુ કરી હતી.
ગીરનારના ધાર્મિક સ્થાનોને હાની પહોંચાડવાનાં તેમજ ધાર્મિક સ્થળો ઉપર કબજાે મેળવવાનાં થયેલા પ્રયાસોનો ભારે વિરોધ કરતાં ભુતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરી બાપુ દ્વારા એક વિડીયોનાં માધ્યમથી સર્વે ધર્મપ્રેમી જનતા અને સનાતનીઓને તા. ર૩ એપ્રીલનાં રોજ ૪.૩૦ કલાકે ઝાંસીની રાણીની પ્રતિમા પાસેથી યોજાનારી મહા રેલીમાં ઉપસ્થિત રહેવા ખાસ સંદેશ પાઠવ્યો છે. અને ત્યાંથી જીલ્લા વહીવટી તંત્રની કચેરીએ પહોંચી અને કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવી અને રજુઆતો કરવામાં આવશે તેમ જણાવેલ છે. વિશેષમાં મહેશગીરી બાપુએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગીરનાર એ સનાતનીઓનો છે અને સનાતનીઓનો જ રહેશે. અને આપણે સૌ જૂનાગઢવાસીઓ ગીરનારનું સંરક્ષણ કરીને જ રહીશું તેવો રણટંકાર પણ કર્યો હતો. સાથે જ મહેશગીરી બાપુએ ‘સત્ય’ બાબતો પણ જણાવી હતી. આ તકે પોતાની વ્યથા પણ રજુ કરી હતી. તેઓએ ખુબ જ વ્યથિત હૃદયે જણાવ્યું હતું કે ગીરનાર પર અંબાજી મંદિર ખાતે માસ-મદીરાની પાર્ટીનો બનાવ બન્યો અને ભાવિકોની લાગણી દુ:ભાય હતી. પરંતુ કોઈ જૂનાગઢવાસીઓ ગીરનાર પર એકત્ર થયા નહી આ ઉપરાંત ગૌરક્ષનાથ ભગવાનની પ્રતિમા ખંડીત થઈ તો પણ જૂનાગઢવાસીઓ ચુપ રહયા તેનું મને દુ:ખ છે. અંબાજી માતાજીનાં મંદિર એટલે શકિતપીઠે જે ઘટના બની તે અત્યંત નિંદનીય છે. અમદાવાદ, મુંબઈ, સુરત, વડોદરા અને નેપાળમાં જાે આવી ઘટના બની હોય તો તેનો રંગ જુદો જ હોય. ત્યારે જૂનાગઢવાસીઓને તો કોઈ ફેર ન પડયો હોય તેમ જાેવા મળ્યું હતું. વિશેષમાં મહેશગીરી બાપુએ એમ પણ જણાવ્યું હતું કે તેઓએ કોઈપણ જાતનાં સ્વાર્થ વિના ગીરનાર બચાવવા માટેની પહેલ કરી હતી અને જે લડત ચલાવી હતી તેમાં પણ જૂનાગઢવાસીઓ સાથે રહયા ન હતા. મને વારંવાર એવું કહેવામાં આવ્યું છે કે જૂનાગઢવાસીઓ મોડા જાગે છે, અહીં આઝાદી પણ મોડી મળી હતી. પરંતુ આજે મારે કહેવું છે કે ગીરનાર એ આપણી સંસ્કૃતિક છે, પવિત્ર સ્થાન છે, ધર્મ સ્થાન છે અને ત્યાં ધાર્મિક સ્થાનોનાં નામ પણ બદલી નાંખવાની હીન હરકતો થઈ રહી છે. ધર્મ સ્થાનો પચાવી પાડવાની પણ પ્રવૃતિ કરવામાં આવી રહી છે. અને વહેંચાઈ ગયેલા સાધુઓનાં કૃત્ય સામે પણ ભારે આક્રોષ વ્યકત કર્યો હતો. વધુમાં જૂનાગઢવાસીઓને આહવાન કરતા મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે હવે તો જાગો... જાે હવે જાગશો નહી તો... તળેટીમાં પગ પણ મુકી ન શકાય તેવી હાલત સર્જાવાની આશંકા વ્યકત કરી હતી.
ગીરનારનાં સંરક્ષણ માટેની લડાઈમાં આપણે સૌ સાથે રહી અને બરાબરની લડાઈ આપશું. ગીરનારનાં સંરક્ષણ માટે સૌને કટીબધ્ધ થવા અને તા. ર૩ એપ્રિલે યોજાનારી મહા રેલીમાં મોટી સંખ્યામાં સૌને ઉપસ્થિત રહેવા આહવાન કર્યુ હતું.


