જૂનાગઢની લો કોલેજમાં ‘ઓનલાઇન વૈકલ્પિક તકરાર નિવારણ વ્યવસ્થા એક બિઝનેસ મોડેલ તરીકે‘ વિષય પર એક દિવસીય કાર્યશાળા યોજાઈ

જૂનાગઢની લો કોલેજમાં ‘ઓનલાઇન વૈકલ્પિક તકરાર નિવારણ વ્યવસ્થા એક બિઝનેસ મોડેલ તરીકે‘ વિષય પર એક દિવસીય કાર્યશાળા યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૩ 
જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ દ્વારા ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી તેમજ કેસીજીના નેજા હેઠળ કાર્યરત ઇનોવેશન ક્લબ કાર્યક્રમ અંતર્ગત સારથી એકટીવિટીના બીજા તબક્કામાં ‘ઓનલાઈન વૈકલ્પિક તકરાર નિવારણ કાયદામાં ઉદ્યોગસાહસિકતા તરીકે‘ વિષય પર એક દિવસીય કાર્યમાળા યોજાઇ હતી. પ્રાસંગિક પ્રવચન આપતા કોલેજના પ્રિન્સિપાલ ડો. પરવેઝ બ્લોચે કાયદા ક્ષેત્રમાં વકિલાત સાથે ઉત્પન્ન થયેલી રોજગારીની તકો વિશે માહિતી આપી હતી. વ્યાખ્યાનના પ્રથમ સત્રમાં રાજ્યની વિવિધ ન્યાયપાલિકાઓમા મધ્યસ્થી તરીકે સેવા આપતા તેમજ સિનિયર એડવોકેટ કમલેશભાઈ ધમાણીએ વૈકલ્પિક તકરાર નિવારણ વ્યવસ્થામાં વર્તમાન સમયમાં ઉદ્યમ સાહસિકતા વિષે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, અદાલતમાં કેસ લઇને આવતા પક્ષકારો ઝડપી નિકાલ માટે વિકલ્પો શોધતા થયા છે. હાલમાં લોક અદાલતમાં સમાધાનનો ગ્રાફ વધ્યો છે, ભાવિ વકિલો આ ક્ષેત્રમાં રોજગારીની તકો ઉભી કરી શકશે. સિનિયર એડવોકેટ તેજસ પરમાર દ્વારા આબિર્ટેશન, મિડિએશન અને કન્સિલિએશન અંગે વિસ્તૃત ચર્ચા કરતા જણાવ્યું હતું કે, ભારતમાં મલ્ટી નેશનલ કંપનીઓ હવે કોર્ટમાં આવવા કરતા વૈકલ્પિક વ્યવસ્થા તરફ વળી છે. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રશ્નોતરી કરવામાં આવી હતી જે અંગે નિષ્ણાતોએ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનુ સફળ સંચાલન ડો. સંજયકુમાર ધાનાણીએ એ કર્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા પિયુષભાઈ ચૌહાણ તેમજ કૌશલભાઇ જોટાણીયાએ જહેમત ઉઠાવી હતી.