જૂનાગઢમાં ‘એક પેડ માં કે નામ 3.0’ અંતર્ગત 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી
મંત્રીએ 15 વૃક્ષોના જતનની અપીલ કરી; જાવીયા શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ 1200 વૃક્ષોની સંભાળની જવાબદારી સ્વીકારી
જૂનાગઢ તા.22
જૂનાગઢ શહેરમાં 77મા વન મહોત્સવની મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. સામાજિક વનીકરણ રેન્જ જૂનાગઢ અને ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ અને વૃક્ષોના જતન માટે નાગરિકોને પ્રેરણા આપવામાં આવી હતી.
ઉર્જા રાજ્ય મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે વૃક્ષ અને માનવજીવન વચ્ચેના ગાઢ સંબંધને ઉજાગર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, માનવજીવનના વિવિધ તબક્કાઓમાં વૃક્ષોનો ઉપયોગ અને મહત્વ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોને જીવન સાથે જોડાયેલા તેમજ પૂજનીય માનવામાં આવ્યા છે.
મંત્રીએ ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાનને વધુ વ્યાપક બનાવવા માટે નાગરિકોને વૃક્ષ વાવવાની સાથે તેના લાંબા ગાળાના જતન માટે પણ આગળ આવવા અપીલ કરી હતી. આ પ્રસંગે જાવીયા શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ આશરે 1200 વૃક્ષોના ઉછેર અને સંભાળની જવાબદારી સ્વીકારી હતી.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આશરે 15 જેટલા વિવિધ ‘વન કવચ’ વિકસાવવાની કામગીરી પણ અંતિમ તબક્કામાં હોવાનું જણાવાયું હતું. આ વન કવચના કારણે શહેરમાં હરિયાળી વધવાની સાથે લોકો માટે પ્રકૃતિની નજીક સમય પસાર કરવા માટેના નવા સ્થળો ઉપલબ્ધ થવાની શક્યતા છે.
જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે, ‘એક પેડ માં કે નામ’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વૃક્ષને માતા પોતાના બાળકની જેમ ઉછેરે તે ભાવનાથી દરેક નાગરિકને વૃક્ષોના વાવેતર અને સંભાળ સાથે જોડવાનો છે. તેમણે જૂનાગઢ શહેર અને જિલ્લામાં મિયાવકી પદ્ધતિથી વન કવચ તૈયાર કરવામાં આવી રહ્યા હોવાની માહિતી આપી હતી. આ પદ્ધતિથી ઓછા વિસ્તારમાં વધુ ગાઢ હરિયાળી વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ધારાસભ્યએ દરેક નાગરિકને પોતાના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછા 15 વૃક્ષો વાવવા અને તેનું સતત જતન કરવા માટે અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મચારીઓ તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે તેમને પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને લોકોએ વૃક્ષારોપણ કર્યું હતું. સાથે જ નાગરિકોને નિઃશુલ્ક રોપા ઉપલબ્ધ કરાવવા માટેના ‘વૃક્ષ રથ’ને લીલીઝંડી આપી રવાના કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત મહેમાનોને તુલસીના રોપા અને મોમેન્ટો અર્પણ કરી દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, વસુધૈવ કુટુંબકમ અને ‘એક પેડ માં કે નામ’ અભિયાનને કેન્દ્રમાં રાખીને નૃત્ય, યોગ પ્રદર્શન, અભિનય ગીત અને વકતૃત્વ સહિતની રજૂઆતો કરી હતી.
આ પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, મ્યુનિસિપલ કમિશનર આઈ.આર. વાળા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડી.જે. જાડેજા, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, શૈક્ષણિક સંકુલના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને વન વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


