જૂનાગઢમાં નેશનલ સ્પેસ ડેની અનોખી ઉજવણી, વિદ્યાર્થીઓએ ક્વિઝ થકી જાણી અવકાશની દુનિયા
અવકાશ વિજ્ઞાનના વ્યાખ્યાન સાથે યોજાઈ સ્પેસ ક્વિઝ, વિજેતાઓને સાયન્સ સિટી અમદાવાદની પરિવાર સાથે મુલાકાતના વાઉચર મળ્યા
જૂનાગઢ તા.૨૪
જૂનાગઢમાં નેશનલ સ્પેસ ડેની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન અને ભારતના અંતરિક્ષ ક્ષેત્રની સિદ્ધિઓ વિશે જાણકારી મેળવવાની તક મળી હતી. બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે અવકાશ વિજ્ઞાન પર વિશેષ વ્યાખ્યાન તેમજ સ્પેસ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવાનો અને અવકાશ વિજ્ઞાન પ્રત્યે તેમની રુચિ વધારવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન તુષારભાઈ પંડ્યાએ વિદ્યાર્થીઓ સાથે અવકાશ વિજ્ઞાનના વિવિધ પાસાઓ અંગે માહિતીપ્રદ સંવાદ કર્યો હતો. ભારતના અવકાશ કાર્યક્રમથી લઈને વિવિધ સ્પેસ મિશન, આધુનિક સ્પેસ ટેક્નોલોજી અને ભવિષ્યમાં અવકાશ સંશોધનની શક્યતાઓ જેવા વિષયો પર વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. આ સાથે અવકાશ ક્ષેત્રમાં અભ્યાસ અને કારકિર્દીની તકો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે સ્પેસ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. શરૂઆતના તબક્કામાં એમસીક્યુ આધારિત પ્રિલિમિનરી રાઉન્ડ યોજાયો હતો, જેમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ચાર વિદ્યાર્થીઓને અંતિમ તબક્કા માટે પસંદ કરવામાં આવ્યા હતા. ફાઇનલ રાઉન્ડમાં પીપીટી આધારિત પ્રશ્નોત્તરી યોજાઈ હતી અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને અવકાશ વિજ્ઞાન અંગેનું પોતાનું જ્ઞાન રજૂ કર્યું હતું.
ક્વિઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સાયન્સ સિટી, અમદાવાદની પરિવાર સાથે નિઃશુલ્ક મુલાકાત માટે ફેમિલી વાઉચર ઉપરાંત મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે સ્પર્ધામાં ભાગ લેનારા અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-3ના ઐતિહાસિક સફળ ચંદ્ર અવતરણની યાદમાં ભારત સરકારે 23 ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત રાજ્યના વિવિધ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરોમાં વિદ્યાર્થીઓ માટે અવકાશ વિજ્ઞાન આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જૂનાગઢના કાર્યક્રમમાં પ્રતાપસિંહ ઓરાએ ક્વિઝનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે ડૉ. એસ. આર. ગજેરા, શ્રદ્ધાબેન કચોટ, રીનાબેન મકવાણા સહિત લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રતિનિધિઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્રની ટીમે કામગીરી કરી હતી.


