જૂનાગઢ મનપાનાં જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષએ બઘડાટી બોલાવી
જૂનાગઢ શહેરની જનતાને સ્પર્શતા ૧૭ પ્રશ્નો રજુ કરાયા તેમજ ૧પ દરખાસ્ત મુકાઈ : શાસક ભાજપને વિપક્ષ કોંગ્રેસે બરાબરનું ભીંસમાં લીધું
જૂનાગઢ તા. ૧પ
જૂનાગઢ મનપાનાં જનરલ બોર્ડની એક મહત્વની બેઠક આજ તા. ૧પ-૧૦-ર૬ ગુરૂવારનાં રોજ મળી હતી. આ બેઠકમાં વિપક્ષ દ્વારા ૧૭ જેટલા લોક પ્રશ્નોની ઝડી વરસાવવામાં આવી હતી. અને શાસક પક્ષ પાસે તેનો જવાબ માંગવામાં આવ્યો હતો. વિપક્ષનાં આકરા તેવરને લઈને આજની જનરલ બોર્ડની આ બેઠકમાં બઘડાટો બોલી ગયો હતો.
જાણવા મળતી વિગત અનુસાર જૂનાગઢ મનપાનાં જનરલ બોર્ડની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં વિપક્ષનાં નેતા લલીત પણસારા અને વિપક્ષી કોર્પોરટરો દ્વારા લોકહિતનાં પ્રશ્નો, પ્રજાની ફરીયાદો તેમજ શાસકોની કામગીરી સામે ગંભીર આક્ષેપો સાથે ૧૭ જેટલા પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ૧પ જેટલી દરખાસ્ત પણ મુકવામાં આવી હતી. અને શાસક પક્ષ પાસે જવાબો પણ માંગવામાં આવ્યા હતાં. આજની બેઠકમાં જેમાં ખાસ કરીને રૂા. ર૭૦ કરોડનાં રસ્તાના કામોમાં ભારે બેદરકારી, પાણીનું આયોજન તેમજ નરસિંહ મહેતા સરોવર ભરવાની બાબત તેમજ વિકાસનાં પ્રોજેકટોમાં બિનજરૂરી વિલંબને પણ મુદો બનાવ્યો છે. આ ઉપરાંત પદાધિકારીઓનાં ઓફીસ ખર્ચ અને વીઆઈપી સુવિધાઓ પાછળ થતાં આડેધડ ખર્ચાઓ સામે પણ આકરા સવાલો ઉઠાવ્યા હતાં. આ ઉપરાંત સોલાર પેનલની કામગીરી, સાફ સફાઈ, આંગણવાડીનાં બાળકોની પ્રાથમિક સુવિધાઓ, જન્મ મરણનાં દાખલા આપાવમાં થતી લોકોને હેરાનગતી, કર્મચારીઓનાં ૧૦, ર૦, ૩૦ સ્કેલનાં પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મનપાની મિલ્કતોની માહિતી અને આરોગ્ય ક્ષેત્રની બેદરકારી અંગે પણ તંત્ર પાસે જવાબ માંગવામાં આવ્યો હતો. પ્રજાનાં પૈસાનો બેફામ દુરૂપયોગ થતો અટકાવવા તેમજ લોકહિતનાં કામો વહેલી તકે પુરા થાય તે માટે જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા વિવિધ ૧૭ જેટલા સવાલોની ઝડી વરસાવવામાં આવી હતી. જનરલ બોર્ડની આજની બેઠકમાં વિપક્ષનાં આકરા સવાલો સામે શાસકો કફોડી સ્થિતીમાં મુકાયા હતાં.


