જૂનાગઢ મનપાનાં શાસકો માટે ચિંતન શિબિર કયારે યોજાશે ?
લોક ફરીયાદોનાં ઝડપી નિકાલ અને વિકાસ કાર્યો માટે માર્ગદર્શનની જરૂર છે !!
જૂનાગઢ, તા.રર
જૂનાગઢ મનપાના વર્તમાન શાસકો સામે લોકોમાં અનેક ફરીયાદો રહેલી છે. ખાસ કરીને રસ્તાના પ્રશ્ને ભાજપના શાસકોએ કવરાવી દિધા છે તેવી વ્યથા જૂનાગઢના નગરજનો કરી રહ્યા છે. ફોટો સેશન અને ખાત મુર્હુત તેમજ અન્ય સમારંભોમાં હાજરી આપવામાં મન મોટુ તેમજ નવી ગાડીઓમાં ફરવામાં અભરખા રાખનારા જૂનાગઢ મનપાના શાસકો સામે વ્યાપક ફરીયાદો રહેલી છે. બેદરકારી, બેજવાબદારી ભરી કામગીરી કે ઢંગધડા વિનાના આયોજન વગરના કામોને કારણે પ્રાથમિક સુવિધાના પ્રશ્ને લોકો અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. લોકોના કામો કંઈ રીતે કરવા તેમજ શાસન કંઈ રીતે સંભાળવું, લોક ફરીયાદનો ઝડપી નિકાલ કંઈ રીતે થાય અને રામરાજય જેવું પ્રજાતંત્ર સ્થાપવું સહીતની અનેક કામગીરીમાં જૂનાગઢ મનપાના શાસકો ઢ સાબીત થયા છે તેવું આમ જનતા આજે છડે ચોક બોલી રહી છે. જૂનાગઢના મનપાના શાસકો લોક સેવાના કાર્યો સારી રીતે કરી શકે, પ્રાથમિક સુવિધા સારી રીતે પુરી પાડી શકે તેમજ લોકોને કયાય પણ ફરીયાદ જેવું ન રહે તેવું વાતાવરણ ઉભુ કરી અને જૂનાગઢ શહેરનો કેમ સર્વાંગી વિકાસ થાય તેવી સુંદર કામગીરી કરી શકે તે માટે જૂનાગઢ મનપાના શાસકો તેમજ અધિકારીઓને નિષ્ણાંતોન માર્ગદર્શનની જરૂર છે અને તેના માટે હવે જૂનાગઢમાં મનપાના શાસકોને માટે ચિંતન શીબીર યોજવાનો સમય આવી ગયો છે તેમ લોકો કહે છે.


