‘જાહેરનામાની ઐસીતૈસી’ ગાંધી ચોકથી રેલ્વે સ્ટેશન માર્ગ પર ગત મોડી રાત્રે રોંગ સાઈડમાં વાહનો આવી જતાં ટ્રાફીક જામ

અવાર નવાર વન-વે માર્ગ પર વાહનો દોડાવવાનાં કારણે અવ્યવસ્થા સર્જાય છે : મનપા અને પોલીસ વિભાગ દ્વારા પગલા લેવા માંગ

‘જાહેરનામાની ઐસીતૈસી’ ગાંધી ચોકથી રેલ્વે સ્ટેશન માર્ગ પર ગત મોડી રાત્રે રોંગ સાઈડમાં વાહનો આવી જતાં ટ્રાફીક જામ

જૂનાગઢ તા. ૧૪
જૂનાગઢનાં ગાંધી ચોક રેલ્વે સ્ટેશન માર્ગ ઉપર કામગીરી સબબ વન-વે જાહેર કરવામાં આવ્યો હોવા છતાં બેધડક જાહેરનામાનો ભંગ કરી અને વાહનો રોંગ સાઈડમાં આવી જતાં હોવાનાં કારણે મોડી રાત્રીનાં અવાર નવાર ટ્રાફીક જામની સ્થિતિ સર્જાય છે ત્યારે મનપા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા જાહેરનામાની અમલવારી માટે એકશન પ્લાન જરૂરી છે.
જૂનાગઢ શહેરનાં ગાંધી ચોકથી રેલ્વે સ્ટેશન સુધીનાં માર્ગ ઉપર ભુગર્ભ ગટર ફેઝ-રની કામગીરી ચાલી રહી છે અને રસ્તાને વન-વે જાહેર કરી અને વૈકલ્પીક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને જે અંગેનુ જાહેરનામું અમલી હોવા છતાં પણ આ જાહેરનામાનો સરેઆમ ભંગ કરવામાં આવી રહયો છે. ખાસ કરીને મોડી રાત્રીનાં રોંગ સાઈડમાં અનેક વાહનોની અવર જવર રહે છે. અને જેને લઈને ઈમરજન્સી વખતે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. ગઈકાલે મોડી રાત્રીનાં જ એક તરફ વાહનોનો જમેલો અને બીજી તરફ ઈમરજન્સી ૧૦૮નું સતત સાયરન વાગી રહયુ હતું પરંતુ રસ્તો કલીયર હોય તો વાહન આગળ વધી શકે ને ! મોડેથી વાહન વ્યવહારને થાળે પાડવામાં આવ્યો હતો.
જૂનાગઢમાં ગાંધી ચોકથી રેલ્વે સ્ટેશન માર્ગ ઉપર ભુગર્ભ ગટર ફેઝ-રની કામગીરી તેમજ સીમેન્ટ રોડ બનાવવાની કામગીરી અંતર્ગત હાલ પુરજાેશથી કામગીરી ચાલી રહી છે. અને જેને લઈને મનપાનાં કમિશ્નરનાં સીધા નિર્દેશન અનુસાર એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. અને તા. રપ નવેમ્બર સુધી તેની અલમવારી કરવામાં આવશે. મજેવડી દરવાજાથી આવતા તમામ પ્રકારના વાહનોને રેલ્વે સ્ટેશન, કોર્ટ રોડ, ચિતાખાના ચોક અને ગાંધી ચોક જઈ શકાય તેવી વૈકલ્પીક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ અવાર નવાર આ જાહેરનામાનો ભંગ થતો હોય છે. અગાઉ પણ બે-ત્રણ વાર મોડી રાત્રીનાં રોંગ સાઈડમાં ભારે વાહનો આવવા લાગતા ટ્રાફીક જામ સર્જાયો હતો. જયારે ગઈકાલે ગાંધી ચોકના આ માર્ગ ઉપર મોડી રાત્રીનાં નિયમોનો ભંગ કરી અને રોંગ સાઈડમાં વાહનો આવી જતાં ટ્રાફીક જામની સ્થિતિ સર્જાણી હતી અને જેમાં ઈમરજન્સી ૧૦૮ની વાન પણ ટ્રાફીકમાં ફસાઈ હતી. અવાર નવાર રોંગ સાઈડમાં વાહનો આવી જાય છે. જેને લઈને કયારેક કોઈ મોટી ઘટના બને તે પહેલા તકેદારીનાં પગલાની ખાસ જરૂરીયાત છે તેમજ રાત્રીનાં વખતે પણ પોલીસ પોઈન્ટ નકકી કરી અને પોલીસની વ્યવસ્થા અહી રાખવામાં આવે જેથી જાહેરનામાના નિયમનો કડક રીતે પાલન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા આમ જનતાની માંગણી છે.