જૂનાગઢમાં ‘શક્તિ ઉત્સવ–૨૦૨૬’ : દશનામ ગોસ્વામી સમાજની એકતા, સંસ્કાર અને યુવા શક્તિનું ગૌરવગાન

જૂનાગઢમાં ‘શક્તિ ઉત્સવ–૨૦૨૬’ : દશનામ ગોસ્વામી સમાજની એકતા, સંસ્કાર અને યુવા શક્તિનું ગૌરવગાન

જૂનાગઢ, તા.૧૪
જ્યારે યુવાનો પોતાની સંસ્કૃતિને હૃદયમાં વસાવીને સમાજને એકતાના તાંતણે બાંધવા આગળ આવે, ત્યારે ઇતિહાસ રચાય છે. આવું જ એક પ્રેરણાદાયી કાર્ય ગોસ્વામી યુથ ક્લબ, જૂનાગઢ દ્વારા આયોજિત ‘શક્તિ ઉત્સવ–૨૦૨૬’ થકી સાકાર થઈ રહ્યું છે. માતાજીની ભક્તિ, પરંપરાનું ગૌરવ અને સમાજના સંગઠનનો સંદેશ આપતો આ ઉત્સવ દશનામ ગોસ્વામી સમાજમાં નવી ચેતના અને ઉત્સાહનો સંચાર કરી રહ્યો છે. તા. ૧૧ ઓક્ટોબર, રવિવારથી તા. ૧૩ ઓક્ટોબર, મંગળવાર સુધી ત્રણ દિવસ ગોલ્ડન ફાર્મ, ખલીપુર ચોકડી, જૂનાગઢ ખાતે રાત્રે ૯થી ૧૨ વાગ્યા દરમિયાન આ ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સમાજની સાચી ઓળખ તેની સંખ્યા નહીં, પરંતુ તેની એકતા, સંસ્કાર અને સંસ્કૃતિ પ્રત્યેના ગૌરવમાં રહેલી છે. આ ભાવનાને સાકાર કરતા ગોસ્વામી યુથ ક્લબના યુવાનોની મહેનત, સમર્પણ અને સંગઠનશક્તિ ખરેખર અભિનંદનને પાત્ર છે. સમાજને એક મંચ પર લાવવા, નવી પેઢીને સંસ્કારો સાથે જાેડવા અને દરેકના હૃદયમાં સમાજ પ્રત્યે ગૌરવ જગાવવા માટે ક્લબની ટીમે કરેલો પ્રયાસ સરાહનીય છે. આ યુવાનો માત્ર ઉત્સવનું આયોજન નથી કરી રહ્યા, પરંતુ સમાજની એકતા અને ઉજ્જવળ ભવિષ્યનો પાયો મજબૂત કરી રહ્યા છે.
આ આયોજન સાબિત કરે છે કે દશનામ ગોસ્વામી સમાજ પણ કોઈથી પાછળ નથી. પોતાની આગવી ઓળખ, એકતા અને સામૂહિક શક્તિથી આ સમાજ અન્ય સમાજાે માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. ઉત્સવમાં ત્રણ દિવસ અલગ-અલગ ડ્રેસ કોડની થીમ, પરંપરાગત પોશાકમાં ગરબા, દરરોજ ત્રણ વિજેતાઓને શિલ્ડ આપી સન્માન, નાની દીકરીઓ દ્વારા માતાજીની આરતી અને ફટાકડાની આતશબાજી વિશેષ આકર્ષણ છે. સાથે ચા-પાણી, ઠંડાં પીણાં અને નાસ્તાના સ્ટોલની સુવિધા પણ ઉપલબ્ધ છે.
જૂનાગઢ સહિત આસપાસનાં ગામો અને અન્ય શહેરોમાંથી દશનામ ગોસ્વામી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સવની શોભા વધારી રહ્યા છે. લોકોનો આ ઉમળકો આયોજક ટીમ માટે પ્રોત્સાહન અને તેમની મહેનતનું સાચું સન્માન છે.
વડીલોના આશીર્વાદ, યુવાનોની મહેનત અને સમાજના સહકારથી ગોસ્વામી યુથ ક્લબે એક સુંદર સંદેશ આપ્યો છે કે જ્યારે સમાજ એકસાથે ચાલે છે, ત્યારે તેની પ્રગતિને કોઈ રોકી શકતું નથી. આ ઉત્સવ ત્રણ દિવસની ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ આવનારી પેઢીને એકતા, સંસ્કાર અને સમાજસેવાનો વારસો આપતો સંકલ્પ છે. ગોસ્વામી યુથ ક્લબની સમગ્ર ટીમને આ સરાહનીય અને પ્રેરણાદાયી આયોજન બદલ દશનામ ગોસ્વામી સમાજના લોકો ધન્યતા અનુભવી રહ્યા છે તેમ મુકેશ પી. ગોસ્વામીની એક યાદીમાં જણાવામાં આવેલ છે.