દીયા મિર્ઝાનો વીડિયો તાત્કાલિક ફરી અપલોડ કરો: બોમ્બે હાઈકોર્ટનો BMCને આદેશ
દિવાળીમાં પ્રદૂષણ ઘટાડવાની અપીલ કરતો વીડિયો હટાવાતા કોર્ટની નારાજગી; રાજકીય નેતાઓની ટિપ્પણીઓ પર પણ વ્યક્ત કરી અસંતોષ
મુંબઈ, તા. ૪
દિવાળી દરમિયાન પ્રદૂષણ ઘટાડવાની અપીલ કરતો અભિનેત્રી દીયા મિર્ઝાનો વીડિયો બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા સોશિયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવ્યો હતો. આ મામલે બોમ્બે હાઈકોર્ટે હસ્તક્ષેપ કરતાં BMCને વીડિયો ફરીથી સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ કોર્ટે આ મુદ્દે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે દીયા મિર્ઝાએ BMC સાથે મળીને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે મુંબઈના લોકોને દિવાળી દરમિયાન જાહેર રસ્તાઓ પર ફટાકડા ન ફોડવાની અને વાયુપ્રદૂષણ ઘટાડવામાં સહયોગ આપવાની અપીલ કરી હતી. જોકે, મુંબઈ ભાજપ અધ્યક્ષ અમિત સાટમે એક્સ પર પોસ્ટ કરીને દિવાળી ઉજવવાની રીત અંગે કોઈની શીખની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ BMC વહીવટીતંત્રે દીયા મિર્ઝાનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હટાવી દીધો હતો.
આ મામલે રાજકીય ચર્ચા શરૂ થતાં કેટલાક નેતાઓએ દીયા મિર્ઝાની અભિયાનમાં ભાગીદારી અંગે સવાલો ઉઠાવ્યા હતા. મંગળવારે આ મામલે સુનાવણી કરતાં જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ ડૉ. નીલા ગોખલેની ખંડપીઠે BMCને વીડિયો ફરીથી પોસ્ટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે રાજકીય નેતાઓની બિનજરૂરી ટિપ્પણીઓ અંગે નારાજગી વ્યક્ત કરતાં યાદ અપાવ્યું હતું કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે, જ્યાં તમામ ધર્મોનું સન્માન થવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે દીયા મિર્ઝા BMCના જનજાગૃતિ અભિયાનનો હિસ્સો હતી. આ અભિયાનનો હેતુ લોકોને પર્યાવરણને અનુકૂળ અને ઓછું પ્રદૂષણ ફેલાવતી દિવાળી ઉજવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. દીયા મિર્ઝાનો વીડિયો પણ આ જ હેતુથી તૈયાર કરવામાં આવ્યો હતો અને તેમાં વાયુપ્રદૂષણ ઘટાડવા તથા જાહેર રસ્તાઓ પર ફટાકડા ન ફોડવાની અપીલ કરવામાં આવી હતી. આ અપીલ બોમ્બે હાઈકોર્ટના નિર્દેશોને અનુરૂપ હોવાનું પણ જણાવાયું હતું.
આ મામલે વધુ એક મુદ્દો એ હતો કે અભિયાનમાં સામેલ અન્ય હસ્તીઓના વીડિયો BMCના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર યથાવત્ રાખવામાં આવ્યા હતા, જ્યારે માત્ર દીયા મિર્ઝાનો વીડિયો હટાવવામાં આવ્યો હતો. આ મામલે સુનાવણી બાદ હાઈકોર્ટે વીડિયો ફરીથી અપલોડ કરવાનો આદેશ આપ્યો હતો.


