દ્વારકાધીશ જગતમંદિરમાં શ્રાવણ સુદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા સજાવટની પરંપરા
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૦
દ્વારકાધીશ જગતમંદિરમાં સદીઓ જૂની પરંપરાનુસાર દર વર્ષે શ્રાવણ સુદ બીજથી શ્રાવણ વદ બીજ દરમ્યાન સતત ૧૫ દિવસ સુધી સાંજના સમયે વિવિધ પ્રકારના દ્રવ્યોથી હિંડોળા સજાવટની પરંપરા છે. જે અંતર્ગત જગતમંદિરના નિજ સભાખંડમાં હિંડોળામાં ઠાકોરજીના બાલસ્વરૂપને બેસાડી વિવિધ પ્રકારના હિંડોળા શૃંગાર યોજવામાં આવી રહયા છે. આજરોજ હિંડોળામાં બિરાજમાન શ્રીજીના બાલસ્વરૂપને સુકામેવા સજાવટ સાથેનો શૃંગાર મનોરથ યોજવામાં આવ્યો હતો. સતત એક પખવાડિયા સુધી ચાલતાં હિંડોળા સજાવટમાં શ્રીજીના બાલસ્વરૂપને ફળ, ફૂલ, સુકા મેવા, પાનના બીડા, શાકભાજી, મોરપંખ સહિત અલગ અલગ શૃંગાર યોજવામાં આવે છે. વારાદાર પૂજારી દ્વારા સંધ્યા સમયે ઠાકોરજીના બાલસ્વરૂપને પુન: શ્રીજી સન્મુખ બિરાજમાન કર્યા બાદ જ સંધ્યા અને શયન આરતી યોજવામાં આવે છે.


