નેપાળમાં સૈન્યએ મોરચો સંભાળ્યો : કાઠમંડુમાં વ્યાપક અરાજકતા
આખી રાત સંસદ ભડભડ સળગતી રહી : લૂંટફાટ અને આગજનીની સેંકડો ઘટનાઓ : સ્થિતિ બેકાબુ બનતા સૈન્યને સત્તા સંભાળવાની ફરજ પડી
(એજન્સી) કાઠમંડુ તા.૧૦
હિંસાની આગમાં લપેટાયેલા ભારતના પાડોશી દેશ નેપાળમાં વડાપ્રધાન-રાષ્ટ્રપતિના રાજીનામાં વચ્ચે હવે નેપાળમાં સૈન્યએ સતા સંભાળી લીધી છે જોકે, તોફાનો હજુ પણ બેકાબુ જ છે અને કાઠમંડુ સિવાય અન્ય અનેક શહેરોમાં રમખાણો પ્રસર્યા હતા જયાં સરકારી કચેરીઓને આગ ચાંપી દેવામાં આવી હતી. ગત આખી રાત નેપાળની સંસદ ભડભડ સળગતી રહી હતી.
નેપાળમાં યુવા વર્ગનું આંદોલન હિંસક અને બેકાબુ બની ગયુ જ હતું. ભ્રષ્ટાચાર સહિતના મામલે તથા સોશ્યલ મિડિયા પરના પ્રતિબંધ મુદ્દે બળવાનું સ્વરૂપ લઈ લીધુ હતું. સંસદ ભવનથી માંડીને પૂર્વ-વર્તમાન વડાપ્રધાનનાં નિવાસસ્થાનો સહિતની સરકારી-ખાનગી મિલકતો ફુંકી મારવામાં આવી છે.
ભયાનક હિંસા વચ્ચે વડાપ્રધાન ઓલીએ, ગઈકાલે જ રાજીનામું આપી દીધા છતાં હિંસા કાબુમાં આવી નથી અને તોફાનો અન્ય વિસ્તારોમાં પ્રસર્યા હતા. આ સંજોગોમાં સૈન્યએ સતા સંભાળી લીધી હોવા છતાં હાલત બેકાબુ રહ્યા છે.હિંસક વિરોધ પ્રદર્શનોને રોકવા માટે સેનાએ મંગળવારે રાત્રે ૧૦ વાગ્યાથી સમગ્ર દેશનો કબજો સંભાળી લીધો છે.
નેપાળી સેનાએ કહ્યું કે મુશ્કેલ સમયનો લાભ લઈને કેટલાક તત્ત્વો સામાન્ય લોકો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે. લૂંટફાટ અને આગચંપી જેવા કૃત્યો થઈ રહ્યા છે. આવી પ્રવૃત્તિઓ બંધ કરો. પ્રદર્શનીઓના ગુસ્સાને જોઈને કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે અને કાઠમંડુ છોડી દીધું છે. અગાઉ, વિરોધીઓએ કેપી ઓલીના ખાનગી ઘર, રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટમાં આગ ચાંપી દીધી હતી.
રાજધાની કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં
અથડામણ અને આગચંપીમાં અત્યાર સુધીમાં ૨૨ લોકો માર્યા ગયા છે, તેમજ ૪૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.


