નેપાળમાં ફસાયેલા ભારતના ૪૦૦ મુસાફરોને પરત લાવવા વાયુસેનાના બે ખાસ વિમાનોને કાઠમંડુ મોકલવા તૈયારી
કાઠમંડુ ઈન્ટરનેશનલ એરપોર્ટ અનિશ્ચિત મુદ્દત સુધી બંધ ગુજરાતના પ૦ સહિત ભારતના ૪૦૦ મુસાફરો ફસાયા
(એજન્સી) કાઠમંડુ તા.૧૦
નેપાળમાં સત્તાપલ્ટો અને રમખાણોને પગલે કાઠમંડુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દેવામાં આવ્યું છે. તમામ ફલાઈટ રદ્દ કરી દેવામાં આવી છે. વહીવટીતંત્ર સતત શાંતિ જાળવવાની અપીલ કરી રહ્યું છે. નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે કાઠમંડુનું ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથક સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. ઈન્ડિગો અને એરઈન્ડિયાની ફલાઈટસ રદ્દ થતાં ગુજરાતના પ૦ સહિત ભારતના ૪૦૦ મુસાફરો એરપોર્ટ પર ફસાઈ ગયા છે. નેપાલના કાઠમાંડુ ઍરપોર્ટ પર અટવાયેલા અને મુંબઈમાં રહેતા પ્રિયાંક ભટ્ટે નેપાલથી ‘આપવીતી વર્ણવતાં કહ્યું હતું કે ‘ઍરપોર્ટ-સિકયૉરિટીએ અમને બધાને ઍરપોર્ટની બહાર જતા રહેવાનું સજેશન કર્યું છે, પણ નેપાલની હાલની સિચ્યુએશનમાં અમને લાગે છે કે કાઠમાંડુ ઍરપોર્ટ અમારા માટે સૌથી સુરક્ષિત જગ્યા છે એટલે અમે બહાર નહીં જઈએ.‘ માનસરોવરની યાત્રા
પૂરી કરીને નેપાલમાં ચાલી
રહેલાં તોફાનો વચ્ચે જેમતેમ કરીને ભારત પરત આવવા કાઠમાંડુ ઍરપોર્ટ પહોંચ્યા બાદ તમામ ફ્લાઇટ કૅન્સલ થતાં મુંબઈ અને અમદાવાદ સહિતનાં ૫૦ ગુજરાતી યાત્રિકો ઍરપોર્ટ પર ફસાઈ ગયા છે.દરમ્યાનમાં આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ કાઠમંડુ એરપોર્ટ પર ફસાયેલા ૪૦૦ ભારતીય નાગરીકોને સહી સલામત પરત લાવવા માટે
ભારતીય વાયુસેનાના બે ખાસ વિમાન મોકલવાની તૈયારી થઈ રહી છે.


