બોક્સ ઓફિસ પર ‘થલાઈવા’નો જાદુ: રજનીકાંતની ‘જેલર ૨’ એ વૈશ્વિક સ્તરે રૂ. ૫૦૦ કરોડનો આંકડો વટાવ્યો

માત્ર ૬ દિવસના ટૂંકા ગાળામાં રેકોર્ડબ્રેક કમાણી કરીને નવો ઈતિહાસ રચ્યો; નેલ્સન દિલીપકુમાર દિગ્દર્શિત ફિલ્મમાં ફરી જોવા મળ્યો ‘ટાઈગર મુથુવેલ પાંડિયન’નો ખૌફનાક અવતાર

બોક્સ ઓફિસ પર ‘થલાઈવા’નો જાદુ: રજનીકાંતની ‘જેલર ૨’ એ વૈશ્વિક સ્તરે રૂ. ૫૦૦ કરોડનો આંકડો વટાવ્યો

મુંબઈ, તા.૨૨
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ એકશન-ડ્રામા ફિલ્મ 'જેલર ૨' બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. એડવાન્સ બુકિંગથી શરૂ થયેલો પ્રેક્ષકોનો ઉત્સાહ હવે સિનેમાઘરોમાં પ્રચંડ કમાણીના આંકડાઓમાં ફેરવાઈ રહ્યો છે. ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ થિયેટરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે. માત્ર ૬ દિવસના ટૂંકા ગાળામાં 'જેલર ૨' એ વૈશ્વિક સ્તરે ૫૦૦ કરોડથી વધુની જંગી કમાણી કરીને બોક્સ ઓફિસ પર નવો ઈતિહાસ રચી દીધો છે.
આ શાનદાર કમાણી સાથે 'જેલર ૨' વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોની યાદીમાં મોખરાનું સ્થાન મેળવી ચૂકી છે. આ ફિલ્મે પ્રથમ દિવસે ૫૯.૭૦ કરોડની ધમાકેદાર ઓપનિંગ સાથે બોક્સ ઓફિસ પર એન્ટ્રી કરી હતી, જ્યારે બીજા દિવસે પણ ફિલ્મે ૩૭.૧૦ કરોડનું મજબૂત કલેક્શન નોંધાવ્યું હતું. વીકડેઝ દરમિયાન પણ ફિલ્મની પકડ મજબૂત રહી હતી અને પ્રથમ સપ્તાહ પૂર્ણ થાય તે પહેલાં જ ભારતમાં ૩૧૭.૨૦ કરોડનો આંકડો પાર કરી લીધો હતો.
અત્યાર સુધીમાં ફિલ્મનું ભારતમાં કુલ નેટ કલેક્શન ૩૭૧.૪૫ કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે માત્ર ૮ દિવસના સમયગાળામાં વૈશ્વિક સ્તરે આ ફિલ્મે ૫૮૨.૪૫ કરોડની કમાણી કરીને રેકોર્ડબુકમાં સ્થાન મેળવી લીધું છે. આ પ્રચંડ આંકડાઓ સાથે ફિલ્મે રજનીકાંતની અગાઉની ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ્સ પણ ધ્વસ્ત કરી દીધા છે.
નેલ્સન દિલીપકુમારના શાનદાર દિગ્દર્શન અને સન પિક્ચર્સના બેનર હેઠળ બનેલી ‘જેલર ૨' માં રજનીકાંત ફરી એકવાર નિવૃત્ત જેલર 'ટાઈગર મુથુવેલ પાંડિયન'ના આઈકોનિક પાત્રમાં જોવા મળે છે. ફિલ્મની વાર્તા મુથુવેલ પાંડિયનના શાંત જીવનથી શરૂ થાય છે, પરંતુ ગુનાહિત જગતમાંથી આવતો એક નવો ભયાનક ખતરો તેના પરિવારની સુરક્ષા સામે સવાલો ઊભા કરે છે. પોતાના પરિવાર અને વિરાસતનું રક્ષણ કરવા માટે તે ફરીથી પોતાના જૂના, ખૌફનાક અને પ્રચંડ અવતારમાં પાછો ફરે છે.
ફિલ્મની આ સતત વધતી કમાણી જોતાં હવે સિનેપ્રેમીઓ અને ટ્રેડ એનાલિસ્ટ્સની નજર ફિલ્મના આગામી કલેક્શન પર ટકેલી છે. એ જોવું રસપ્રદ રહેશે કે 'જેલર ૨' તેના અગાઉના પ્રીકવલ ભાગના તમામ લાઈફટાઈમ રેકોર્ડ્સને ક્યારે માત આપે છે.