‘મિતવા’ ફેમ ગાયક શફકત અમાનત અલીને થયું હતું બ્લડ કેન્સર, એક વર્ષ સુધી રહ્યા બેડ રેસ્ટ પર

મલ્ટીપલ માયલોમાની બીમારી સામે લડ્યા બાદ ગાયકે ફરી સ્ટેજ પર કરી વાપસી, કીમોથેરાપી અને મુશ્કેલ સમયનો કર્યો ખુલાસો

‘મિતવા’ ફેમ ગાયક શફકત અમાનત અલીને થયું હતું બ્લડ કેન્સર, એક વર્ષ સુધી રહ્યા બેડ રેસ્ટ પર

મુંબઈ તા.26
બોલિવૂડના લોકપ્રિય ગીતો ‘મિતવા’, ‘તેરે નૈના’ અને ‘દિલદારા’ને પોતાના અવાજથી યાદગાર બનાવનાર જાણીતા ગાયક શફકત અમાનત અલીએ પોતાની ગંભીર બીમારી અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગાયકે જણાવ્યું કે તેઓ મલ્ટીપલ માયલોમા નામના બ્લડ કેન્સરના એક પ્રકાર સામે લડી રહ્યા હતા. આ બીમારીને કારણે તેમને લાંબા સમય સુધી સંગીત કાર્યક્રમોથી દૂર રહેવું પડ્યું હતું અને લગભગ એક વર્ષ સુધી બેડ રેસ્ટ પર રહેવાની ફરજ પડી હતી.
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાની તબિયત અંગે વાત કરતાં શફકત અમાનત અલીએ જણાવ્યું કે તેમના માટે પાછલું વર્ષ જીવનનો સૌથી મુશ્કેલ સમય રહ્યો હતો. બીમારીની જાણ થતાં તેઓ પોતે જ નહીં, પરંતુ તેમનો પરિવાર, મિત્રો અને ચાહકો પણ આઘાતમાં મુકાઈ ગયા હતા. શરૂઆતમાં તેમણે આ વાત કેટલાક મિત્રોથી છુપાવી રાખી હતી, કારણ કે તે સમયે તેમનું સમગ્ર ધ્યાન યોગ્ય સારવાર મેળવવા પર હતું.
ગાયકે વધુમાં જણાવ્યું કે સમયસર બીમારીનાં લક્ષણો સામે આવી જતાં સારવાર શરૂ કરવામાં મદદ મળી હતી. તેમને કીમોથેરાપીમાંથી પસાર થવું પડ્યું હતું અને આ સમગ્ર પ્રક્રિયામાં લગભગ એક વર્ષનો સમય લાગ્યો હતો. લાંબી સારવાર બાદ તેમણે ફરીથી સંગીતના મંચ પર વાપસી કરી હતી. કીમોથેરાપી પૂર્ણ થયા બાદ તેમણે લાહોરમાં એક કાર્યક્રમમાં પરફોર્મન્સ આપ્યું હતું. શરૂઆતમાં આ વાપસી મુશ્કેલ રહી હોવા છતાં ત્યારથી તેઓ ફરી નિયમિત રીતે સંગીત કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે.
શફકત અમાનત અલીનો સંબંધ પ્રસિદ્ધ પટિયાલા ઘરાના સાથે છે. તેમણે પાકિસ્તાની સંગીત જગતની સાથે ભારતીય ફિલ્મ સંગીતમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી છે. ‘ખમાજ’ ગીતથી તેમને વિશેષ લોકપ્રિયતા મળી હતી. ત્યારબાદ વર્ષ 2006માં શાહરૂખ ખાનની ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ના ગીત ‘મિતવા’ દ્વારા તેમણે બોલિવૂડમાં નોંધપાત્ર ઓળખ મેળવી હતી.
આ ઉપરાંત ‘તેરે નૈના’, ‘બિન તેરે’, ‘દિલદારા’ અને ‘તેરી ઝુકી નજર’ જેવા ગીતોમાં પણ તેમના અવાજને શ્રોતાઓએ પસંદ કર્યો છે. ગંભીર બીમારી અને લાંબી સારવાર બાદ ફરી સ્ટેજ પર પરત ફરવાની તેમની સફર હાલમાં ચર્ચાનો વિષય બની છે.