ફવાદ ખાન અને માહિરા ખાનની પાકિસ્તાની વેબ સિરીઝનો ભારતમાં વિરોધ, રિલીઝ રોકવા PM મોદીને પત્ર

4 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર આવનારી ‘બચ્ચે હૈં સંગ સમેટ લો’ સામે AICWAની રજૂઆત, ભારતમાં પાકિસ્તાની કન્ટેન્ટ પર કાયમી પ્રતિબંધની પણ માંગ

ફવાદ ખાન અને માહિરા ખાનની પાકિસ્તાની વેબ સિરીઝનો ભારતમાં વિરોધ, રિલીઝ રોકવા PM મોદીને પત્ર

મુંબઈ તા.26
પાકિસ્તાની કલાકારો ફવાદ ખાન અને માહિરા ખાનની આગામી વેબ સિરીઝ ‘બચ્ચે હૈં સંગ સમેટ લો’ ભારતમાં રિલીઝ થાય તે પહેલાં જ વિવાદમાં આવી છે. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ સિરીઝની ભારતમાં રિલીઝ અટકાવવાની માંગ કરવામાં આવી છે. આ સિરીઝ 4 ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પ્રસારિત થવાની છે.
આ વેબ સિરીઝમાં ફવાદ ખાન અને માહિરા ખાન ઉપરાંત હાનિયા આમિર તથા સમન અન્સારી સહિતના પાકિસ્તાની કલાકારો જોવા મળશે. AICWAએ વડાપ્રધાનને લખેલા પત્રમાં કેટલાક કલાકારોના અગાઉના નિવેદનો સામે વાંધો ઉઠાવ્યો છે. સંગઠનનો આક્ષેપ છે કે તણાવપૂર્ણ પરિસ્થિતિ દરમિયાન આ કલાકારોએ ભારત વિરોધી નિવેદનો આપ્યાં હતાં. આ સાથે એસોસિએશને ભારતમાં તમામ પ્રકારના પાકિસ્તાની મનોરંજન કન્ટેન્ટ પર કાયમી પ્રતિબંધ મૂકવાની પણ માગણી કરી છે.
AICWAએ પોતાના પત્રમાં પુલવામા હુમલા બાદ પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા સામે લેવાયેલા નિર્ણયનો ઉલ્લેખ કર્યો છે. સંગઠને પહેલગામ હુમલા બાદ પાકિસ્તાની કલાકારો અને કન્ટેન્ટને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંનો પણ સંદર્ભ આપ્યો છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, 8 મે, 2025ના રોજ માહિતી અને પ્રસારણ મંત્રાલયે OTT પ્લેટફોર્મ તથા સ્ટ્રીમિંગ સેવાઓને પાકિસ્તાની વેબ સિરીઝ, ગીતો અને પોડકાસ્ટનું પ્રસારણ બંધ કરવા અંગે એડવાઇઝરી જાહેર કરી હતી.
AICWAના પ્રમુખ સુરેશ ગુપ્તાએ આક્ષેપ કર્યો છે કે ‘બચ્ચે હૈં સંગ સમેટ લો’ની ભારતમાં રિલીઝ સરકારની એડવાઇઝરીની ભાવનાથી વિપરીત છે. તેમણે પાકિસ્તાની કન્ટેન્ટના પ્રસારણ સામે કડક કાયદાકીય જોગવાઈઓ અને દંડની વ્યવસ્થા કરવાની માગણી કરી છે. સાથે જ નેટફ્લિક્સ સહિતના અન્ય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને ભારતમાં પાકિસ્તાની કાર્યક્રમોનું પ્રસારણ ન કરવા અપીલ કરવામાં આવી છે.
હાલ આ સિરીઝની ભારતમાં રિલીઝને લઈને AICWAએ વિરોધ નોંધાવ્યો છે અને સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરી છે. હવે આ મામલે કેન્દ્ર સરકાર અને સંબંધિત OTT પ્લેટફોર્મ તરફથી શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.