મોબાઈલની લત પડી ભારે! સાઉથ એક્ટ્રેસ શકીલાને કરાવવી પડી મેજર સર્જરી, ચાહકોને કરી ખાસ અપીલ
કલાકો સુધી ગેમ રમવા અને રીલ્સ જોવાની આદતથી ગરદનની સમસ્યા ગંભીર બની; શકીલાએ લોકોને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવાની આપી સલાહ
મુંબઈ, તા.૧૪
સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે કેટલી ગંભીર મુશ્કેલીઓ ઊભી કરી શકે છે તેનો ચોંકાવનારો અનુભવ સાઉથની જાણીતી અભિનેત્રી શકીલાએ શેર કર્યો છે. અભિનેત્રીના જણાવ્યા મુજબ, કલાકો સુધી મોબાઈલ પર ગેમ રમવાની અને સતત વીડિયો તથા રીલ્સ જોવાની આદતને કારણે તેની ગરદનની સમસ્યા ગંભીર બની હતી. સ્થિતિ એટલી વણસી કે તેને મેજર સર્જરી કરાવવી પડી હતી અને સારવાર પાછળ આશરે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
શકીલાએ હોસ્પિટલમાંથી ઘરે પરત ફરતી વખતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તે ગળામાં સપોર્ટ કોલર પહેરેલી જોવા મળી હતી. આ દરમિયાન તેણે પોતાની તબિયત અંગે માહિતી આપતાં જણાવ્યું કે લાંબા સમય સુધી અયોગ્ય પોઝિશનમાં રહીને મોબાઈલનો ઉપયોગ કરવાથી તેની ગરદનની સમસ્યા વધી હતી.
અભિનેત્રીએ કહ્યું કે તે ઘણી વખત એક તરફ પડખું ફરીને કલાકો સુધી મોબાઈલ ચલાવતી રહેતી હતી. તે સતત ચાર કલાક સુધી મોબાઈલમાં ગેમ રમતી અને વચ્ચે માત્ર ચા-કોફીનો નાનો બ્રેક લેતી હતી. આ ઉપરાંત યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવામાં પણ તેનો લાંબો સમય પસાર થતો હતો. શકીલાના મતે લાંબા સમય સુધી ખોટી પોઝિશનમાં મોબાઈલનો ઉપયોગ કરવાના કારણે તેની ગરદનની નસો પર ગંભીર અસર થઈ અને અંતે સર્જરીની જરૂર પડી.
સર્જરી બાદ પોતાના અનુભવ વિશે વાત કરતાં શકીલાએ ચાહકોને મોબાઈલ અને અન્ય ગેજેટ્સનો ઉપયોગ મર્યાદિત રાખવાની અપીલ કરી છે. ખાસ કરીને માતા-પિતાને તેમણે બાળકોને વધુ પડતો મોબાઈલ કે અન્ય ગેજેટ્સ ન આપવાની સલાહ આપી છે. અભિનેત્રીનો આ અનુભવ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં મોબાઈલના અતિશય ઉપયોગ અંગે સાવચેતીનો સંદેશ આપી રહ્યો છે.


