વંથલીના વસપડા ગામે સેવા સેતુ કાર્યક્રમમાં ૬૧૬ અરજીઓનો સ્થળ પર જ નિકાલ : પોષણ વાનગીઓનું પણ નિદર્શન કરાયું

વંથલીના વસપડા ગામે સેવા સેતુ કાર્યક્રમમાં ૬૧૬ અરજીઓનો સ્થળ પર જ નિકાલ : પોષણ વાનગીઓનું પણ નિદર્શન કરાયું

જૂનાગઢ, તા.૧ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા અને સુશાસનનાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ લોકાભિમુખ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વસપડા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કુલ ૬૧૬ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ ગામમાં જ મળી રહે તે માટે અલગ-અલગ વિભાગો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આવક અને જાતિના પ્રમાણપત્રો, રેશનકાર્ડમાં નામ ઉમેરવા-કમી કરવા તથા જરૂરી સુધારા, આધારકાર્ડની નવી નોંધણી અને સુધારા, આયુષ્માન ભારત કાર્ડ, ૭/૧૨ અને ૮-અના ઉતારા, જન્મ-મરણ અને લગ્ન નોંધણીનાં પ્રમાણપત્રો સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના તેમજ ખેતીવાડી અને પશુપાલન સહિતના વિવિધ વિભાગોની યોજનાઓને લગતી સેવાઓ પણ ગ્રામજનોને પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં આંગણવાડી બહેનો દ્વારા પોષણયુક્ત વાનગીઓનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી પોષણ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મામલતદાર એસ. બી. ખાંભલીયા સહિત સ્થાનિક આગેવાનો, વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.