વેરાવળ તાલુકાનાં દેદા ગામનાં અશ્વિનભાઈ બારડનો અનોખો ચકલી પ્રેમ

વેરાવળ તાલુકાનાં દેદા ગામનાં અશ્વિનભાઈ બારડનો અનોખો ચકલી પ્રેમ

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ પાટણ, તા.ર૦
ગીર સોમનાથના વેરાવળ તાલુકાના દેદા ગામે પાન, કરીયાણાની દુકાન પરીશ્રમ પાન સેન્ટર ધરાવતા અશ્વીનભાઈ બારડનો અનોખો ચકલી પ્રેમ ધરાવે છે.
પોતાની પાન, કોલ્ડ્રીંક,  ગોળી, બિસ્કીટ અને કરીયાણાની દુકાનમાંના છાપરામાં ખાસ હુંક લગાવી ૭૦ જેટલા પુઠા, લાકડાના ચકલીના માળાઓ ટીંગાડેલા છે.  આ માળાની પાસે થોડા થોડા અંતરે ચકલીને ચણવા માટે પ્લાસ્ટીકની ડીસ તેમજ પાણી પીવા માટે માટીની નાની કુંડી પણ લાગડેલ છે. જાણે એમ જ સમજી લ્યો કે ચકલીઓની કોલોની કે સોસાયટી છે તેઓ છેલ્લા રર વરસથી આ પક્ષી હેત જાળવી રહ્યા છે. ડીસમાં મગ દાળ, ચણા, જુવાર, બાજરો મુકવામાં આવે છે અને એ ડીસો દર અઠવાડીએ સાફ કરવામાં આવે છે. તેના પાનના થડામાના પાણીમાં ચકલીઓ મોજમા આવે ત્યારે ડુબકી લગાવી છબછબીયા કરે છે તેને ખંભે પણ બેસે છે.
દરરોજ સવારે ૬ વાગ્યે ચકલીઓનો સમુહ કલબલ, કલબલ કરતો આસપાસના ખેતરોમાં ઉડી જાય છે અને સાંજે બધાય દુકાનમાના પોતાના ઘરે પાછા ફરે છે. 
પ્રભાસ પાટણ બાયપાસ પાસે આવેલ હનુમાન ાદી ખાતે મારૂતી પ્રોવીઝન સ્ટોર ધરાવતા પ્રકાશભાઈ ગોવિંદભાઈ વાજા પણ એવા જ ચકલીપ્રિય છે તેની દુકાનની છતમાં ૧પ થી ૧૭ જેટલા ચકલીના માળાઓ આવેલા છે જેને ચણા, સેવ, ચોખા, બાજરો, પીવાના પાણી વાટકી રાખે છે. પ્રકાશભાઈના મતે ચકલીઓને કારણે અમારી દુકાનનું આંગણું કલબલતું રહે છે. પ્રભાસના ભાસ્કર વૈધ પ્રભાસ પાટણમાં ચકલીઓનો કેટલો દબદબો હતો તે જણાવતા કહે છે કે, ઘરે ઘરે આંગણા હતા, ઘરના આંગણામાં ચલકીઓને પાણી પીવા સીંદરીમા બાંધેલ માટીના પહોળા કુંડા ટીંગાડવામાં આવતા, ઘરે આવેલ ઘઉં, બાજરાનો પાકના ડુંડા જાળીમાં ટીંગાડાતા જેથી ચકલી દાણા ખાઈ શકતી. બહેનો ઘરકામમાં વ્યસ્ત હોય ત્યારે સવારે બાળકોને ખોળામા બેસાડી વૃધ્ધ વડીલો બાળકોને ચકલી દેખાડતા અને તેને સબંધિત વાર્તાઓ કહેતા અને કુદતી ઠેકતી ચકલીઓ જાેઈ બાળકો છાના રહતા કે પ્રસન્ન થતા.
ઘરમાં સ્વર્ગસ્થ વડીલોની મોટી તસ્વીર રહેતી જે ફોટો ફ્રેમની પાછળ ચકલીઓ માળા બનાવતી. આજના હરણફાળ યુગમાં નળીયાવાળા ઘરો નથી કે આલીશાન મકાનમાં માળો બનાવી શકાય તેવી ડળતી ફોટો ફ્રેમો નથી કે ચકલી માળો બાંધી શકે. ચકલી એ માણસ પ્રેમી પક્ષી છે જે કદી ઉંચા ઝાડ ઉપર માળો બાંધતી નથી. અશ્વીનભાઈની દુકાન હોય કે પ્રકાશભાઈ વાજાની દુકાન પુઠાના માળામાં ચકલીઓ દિવસભર ઉડી ઉડી સુતળીના કટકા, તણખલા, ચીથરા એવી રીતે ગોઠવે કે, બેઠક, ઉઠકની વ્યવસ્થા સાથે ઈન્જીનીયર જેવી કાબેલીયત, નાના બચ્ચાઓ હોય ત્યારે દુર-દુરથી તેની માતા ચાંચથી ટીપુ ટીપુ પાણી અને દાણા ખવરાવતી હોય ત્યારે અદભુત દ્રશ્ય સર્જાય છે. ફિલ્મી દુનિયામાં ફિલ્મ અબ દિલ્હી દુર નહીં ફિલ્મમાં ચુન ચુન કરતી આઈ ચીડીયા, ગીત બન્યા પછી કોઈ ગીત ચકલી ઉપર બન્યા નથી કે નથી બનવાના ચકલી આપણી કહેવતો, લોકગીતોમાં પણ છવાયેલી છે.