શબ્દોથી સપનાઓ સુધી : જૂનાગઢ ગ્રંથાલયની એક જીવંત કહાની

પુસ્તકોની સુગંધમાં છુપાયેલું ભવિષ્ય, જૂનાગઢ ગ્રંથાલયમાં મળે જ્ઞાનનું સાચું સરનામું

શબ્દોથી સપનાઓ સુધી : જૂનાગઢ ગ્રંથાલયની એક જીવંત કહાની

જૂનાગઢ તા.10
ગિરનારની તળેટીમાં વસેલું ઐતિહાસિક શહેર જૂનાગઢ અનેક સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાઓ માટે ઓળખાય છે. પરંતુ આ શહેરની એક એવી જગ્યા પણ છે, જ્યાં શાંતિ બોલે છે, પાનાંઓ સંવાદ કરે છે અને સપનાઓને દિશા મળે છે  તે છે જિલ્લા પુસ્તકાલય, જૂનાગઢ.
સવારના કિરણો શહેર પર ફેલાતા હોય ત્યારે ગ્રંથાલયના દ્વાર ખુલતા હોય છે. બહારથી જોતા તે માત્ર એક ઈમારત લાગે, પરંતુ અંદર પ્રવેશતા જ જાણે જ્ઞાનની દુનિયામાં પ્રવેશ થયો હોય તેવી અનુભૂતિ થાય. દિવાલો વચ્ચે ગોઠવાયેલા હજારો પુસ્તકો, અખબારો અને સામાયિકો માત્ર કાગળના પાનાં નથી, પરંતુ અનેક લોકોના ભવિષ્યના માર્ગદર્શક છે.
અહીં રોજ અનેક ચહેરાઓ આવે છે. કોઈ સરકારી નોકરી માટે દિવસ-રાત મહેનત કરતો વિદ્યાર્થી, કોઈ ડોક્ટર કે એન્જિનિયર બનવાનું સ્વપ્ન જોતી યુવા પેઢી, તો કોઈ નિવૃત્ત વડીલ પોતાના જીવનના અનુભવોને પુસ્તકોથી નવી દિશા આપતા જોવા મળે છે. કોઈના હાથમાં ઇતિહાસનું પુસ્તક હોય છે તો કોઈ વિજ્ઞાનના નવા અધ્યાયોમાં ખોવાયેલા હોય છે.
એક રસપ્રદ વાત એ છે કે ગ્રંથાલય માત્ર અભ્યાસ માટેનું સ્થળ નથી, પરંતુ એક મૌન પ્રેરણાસ્થાન પણ છે. અહીં બેસેલા અનેક વિદ્યાર્થીઓએ જીવનમાં મોટી સફળતા હાંસલ કરી છે. કોઈ અધિકારી બન્યા, કોઈ શિક્ષક, તો કોઈએ પોતાના ક્ષેત્રમાં વિશેષ સ્થાન મેળવ્યું. તેમની સફળતાની પાછળ આ શાંતિભર્યા વાતાવરણ અને પુસ્તકો સાથે વિતાવેલો સમય મહત્વનો ભાગ રહ્યો છે.
આજના ડિજિટલ યુગના ધોમધખતા તાપમાં, મોબાઇલ અને સોશિયલ મીડિયા વચ્ચે જ્યાં વાંચનની આદત ઓછી થતી જાય છે, ત્યાં આ ગ્રંથાલય વાંચન સંસ્કૃતિને જીવંત રાખવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે. પુસ્તકના પાનાં ફેરવવાની મજા, નોંધો બનાવવાની ટેવ અને મૌનમાં અભ્યાસ કરવાની એક અનોખી શક્તિ અહીં અનુભવાય છે.
ગ્રંથાલયના ઇન્ચાર્જ ગ્રંથપાલ પ્રકાશ મહીડા જણાવે છે કે, “ડિજિટલ યુગમાં પણ પુસ્તકપ્રેમીઓનો ગ્રંથાલય પ્રત્યેનો વિશ્વાસ અને પ્રેમ અવિરત રહ્યો છે, તે અમારા માટે ગૌરવની બાબત છે.”
વધુમાં તેઓ જણાવે છે કે, ઈ.સ.1956માં સ્થાપિત જિલ્લા પુસ્તકાલય, જૂનાગઢ એ સ્થાપનાકાળથી લઈને આજદિન સુધી સતત વિકાસના સોપાન સર કર્યા છે. સમય સાથે ગ્રંથાલયમાં આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે આજે તે માત્ર પુસ્તકોનો ભંડાર નહીં પરંતુ જ્ઞાન, સંસ્કૃતિ અને અભ્યાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે.
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગરના નેજા હેઠળ તેમજ નિયામક ડૉ. પંકજ ગૌસ્વામી અને વહીવટી અધિકારી ડૉ. અમિતાબેન દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુસ્તકાલયનો સતત સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. તેમ ઇન્ચાર્જ ગ્રંથપાલ  પ્રકાશ મહીડા જણાવે છે .
વર્ષ 2025-26 દરમિયાન 1000 થી વધુ નવા સભ્યો ગ્રંથાલય સાથે જોડાયા છે, જે વાંચનપ્રેમી જનતાના ગ્રંથાલય પ્રત્યેના વિશ્વાસનું પ્રતિક છે. હાલમાં ગ્રંથાલયમાં 17,000થી વધુ સભ્યો નોંધાયેલા છે તેમજ 60,000થી વધુ વિવિધ ભાષાઓના પુસ્તકો ઉપલબ્ધ છે.
વાંચકોને સમયાનુકૂળ સુવિધા મળી રહે તે માટે ઈ-લાયબ્રેરીની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે, જ્યાં વાંચકમિત્રો કોમ્પ્યુટર મારફતે મનગમતા પુસ્તકોનું વાંચન કરી શકે છે. દિવ્યાંગજનોને ધ્યાનમાં રાખીને બ્રેઈલ કોર્નરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના માધ્યમથી તેઓ પણ જ્ઞાનપ્રાપ્તિ કરી શકે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પુસ્તકો, સંદર્ભ સાહિત્ય, 17થી વધુ દૈનિક અખબારો તેમજ ૬૫થી વધુ સામાયિકો અને મેગેઝિન ઉપલબ્ધ છે, જે વાંચકોને સમકાલીન જ્ઞાનથી સમૃદ્ધ બનાવે છે. ઉપરાંત, એસી સહિત પીવાના ઠંડા પાણી જેવી સુવિધાઓ વાંચકોને અનુકૂળ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં અભ્યાસ કરવાની તક આપે છે.
આ ગ્રંથાલયનો પ્રભાવ માત્ર આંકડાઓમાં જ નહીં પરંતુ અહીં અભ્યાસ કરતા યુવાનોના સપનાઓમાં પણ સ્પષ્ટપણે દેખાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી શ્રદ્ધા ભટ્ટ જણાવે છે કે, “હું છેલ્લા દોઢ વર્ષથી અહીં વાંચન માટે આવું છું અને શિક્ષકની ટાટ-ટુ પરીક્ષાની તૈયારી કરું છું. પ્રકૃતિના ખોળે આવેલું આ ગ્રંથાલય ખૂબ સરસ છે. અહીં ભૌતિક સુવિધાઓ સારી મળે છે અને અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જરૂરી અનેક પુસ્તકો સરળતાથી ઉપલબ્ધ હોવાથી તૈયારીમાં ઘણી સરળતા રહે છે.”
તેઓ વધુમાં જણાવે છે કે, “અહીં અનેક સામાયિકો વાંચવા મળે છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વર્તમાન પ્રવાહ અને સરકારશ્રીની યોજનાઓ માટે માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા પ્રકાશિત ‘પાક્ષિક’ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. લાયબ્રેરીના લાયબ્રેરિયન અને સ્ટાફનો પણ અમને સતત સહકાર મળે છે.”
લોકઉપયોગી હેતુ ધરાવતું આ ગ્રંથાલય બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી સૌ માટે જ્ઞાનનું પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે. અહીં આવનાર દરેક વ્યક્તિ માત્ર વાંચવા જ નથી આવતી; તે પોતાનું ભવિષ્ય ઘડવા આવે છે. અહીં દરેક પુસ્તક એક વિચાર છે, દરેક પાનું એક પ્રેરણા છે અને દરેક દિવસ એક નવી શરૂઆત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારના વિવિધ વિભાગોની ભરતી નિયમિત રીતે બહાર પડતી હોય  છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાઓ માટે આ સરકારી લાયબ્રેરી આશીર્વાદ સમાન છે.
-આલેખન  : હિરેન અમરેલીયા