શ્રાવણ માસનાં ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકો ઉમટી પડયા
હર હર મહાદેવ હર... ના જયઘોષથી વાતાવરણ ભકિતમય બન્યું
(રાકેશ પરડવા દ્વારા) ગીર સોમનાથ તા. ૩૧
શ્રાવણ માસનાં આજે ત્રીજાે સોમવાર હોય વહેલી સવારથી જ ભાવિકો મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવનાં દર્શને ઉમટી પડયા હતાં. સોમનાથ મહાદેવનાં દ્વાર સવારે ૪ વાગ્યે ભકતો માટે ખુલ્યા હતાં. સવારે ૩ વાગ્યાથી મંદિર પરીસરમાં ભકતોએ પ્રવેશ શરૂ કર્યો હતો. હજારો ભકતોએ શિવધુનથી સોમનાથ મહાદેવ મંદિર પરીસરને ગુંજાવી દીધું હતું. આજનાં દિવસે મહાદેવનાં દિગંમ્બર સ્વરૂપનાં પ્રાકૃતિક દર્શનથી ભકતો ભાવવિભોર બન્યા હતાં. અનંત ઉર્જા અને આધ્યાત્મીક શાંતિનો અનુભવ કર્યો હતો. ભકતોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. નિ:શુલ્ક સામાન ઘર અને જુતા ઘર સવારે ૩ વાગ્યેથી ખોલી નાખવામાં આવ્યા હતાં. આ ઉપરાંત જીગ જેક કયુ મેનેજમેન્ટથી દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઝોન પ્રમાણે યાત્રીઓનાં વર્ગીકરણથી ભાવિકોએ શાંતિપૂર્ણ રીતે દર્શન કર્યા હતાં. શ્રાવણ માસનાં ત્રીજા સોમવારે સોમનાથ તીર્થ શિવમય બન્યું હતું.



