શ્રી કષ્ટભંજનદેવ દાદાને ફળો અને દિવ્ય ફૂલોનો દિવ્ય શણગાર
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.ર૯
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશ દાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તા.૨૯-૯-૨૦૨૬ને મંગળવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ દાદાને ફળો અને દિવ્ય ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના સિંહાસને દ્રાક્ષ, સફરજન, દાડમ વગેરે વિવિધ પ્રકારના ફળો ધરવાયા હતા. લાલ, ગુલાબી અને લીલા રંગબેરંગી ફૂલો તેમજ પાંદડાઓથી ગર્ભગૃહને સજાવવામાં આવ્યું હતું. દાદાને આકર્ષક જરીવાળા વસ્ત્રો, હાર અને મુગટથી શણગારવામાં આવ્યા હતા.
સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. અનેક ભક્તો દ્વારા દાદાને ધજા ચઢાવાઈ હતી. આ દર્શન અને મહાપ્રસાદનો અનેક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.


