શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમોની વચ્ચે ભાર વિનાના ભણતરની વાતો માત્ર કાગળ ઉપર !!

શિક્ષણનાં ખર્ચમાં અસહ્ય વધારો : વાલીઓ માટે જાયે તો જાયે કહાં જેવી સ્થિતિ

શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમોની વચ્ચે ભાર વિનાના ભણતરની વાતો માત્ર કાગળ ઉપર !!

જૂનાગઢ તા. 10
8 જુન સોમવારના રોજ નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ જૂનાગઢ સહીત રાજયભરની શાળાઓનાં લાંબા વેકેશનનો અંત આવ્યો છે. અને શાળાઓમાં બાળકોનો કલશોર ગુંજી ઉઠયો છે. શાળાઓ ખુલી જતાં વાલીઓની ચિંતા વધી છે. કારણ કે શાળાની ફી, નોટબુક ખર્ચ, યુનીફોર્મ ખર્ચ, પરીવહન ખર્ચ સહીતનાં જુદા જુદા ખર્ચને કારણે એક બાળકને પ્રાથમિક શિક્ષણ આપવાનો ખર્ચ 10 થી 15 હજાર રૂપિયા જેટલો થવાને કારણે વાલીઓ ખાસ કરીને મધ્યમ વર્ગનાં લોકોને પોતાનાં સંતાનને  ભણાવવું અતિ મુશ્કેલ બની ગયું છે અને ભાર વિનાનાં ભણતરની વાતો વચ્ચે  વાલીઓ બાળકને ભણાવવા માટેનાં થતા અઢળક ખર્ચનાં બોજથી દબાઈ ગયા છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ સહીતનાંમાં સતત થઈ રહેલા ભાવવધારાને કારણે જીવન જરૂરીયાતની વસ્તુઓ પણ ખુબજ મોંઘી થઈ રહી છે. દરમ્યાન ઉનાળુ વકેશન પુર્ણ થયું છે અને નવા શૈક્ષણિક સત્રનાં પ્રારંભ સાથે વાલીઓને  પોતાના સંતાનને સારી સ્કુલમાં અભ્યાસ માટે દાખલ કરવાની દોડ શરૂ થઈ ગઈ છે. લોઅર કેજી, હાયર કેજીનું શિક્ષણ પુરૂ થયા બાદ બાળકને પ્રથમ ધોરણમાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આજે નિયમ મુજબ 6 વર્ષનાં બાળકને સ્કુલમાં મુકવામાં આવે છે પરંતુ શાળાએ જતાં પહેલા બાળક પ્રિ-સ્કુલ, બાલવાટિકા, લોઅર કેજી, હાયર કેજીમાં મુકવામાં આવે છે અને ઘણા બાળકો પ્રાથમિક વાતાવરણમાં રહયા બાદ તેમને ધોરણ-૧ માં પ્રવેશ કરવામાં આવે છે. શાળાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે જૂનાગઢ સહીત રાજયભરની પ્રાથમિક શાળાઓમાં બાળકોના પ્રવેશથી લઈ અભ્યાસને લગતી કામગીરી શરૂ થઈ છે. 
બાળકનાં શાળા પ્રવેશ સાથે સ્કુલ ફી, નોટબુક, યુનીફોર્મ સહીતનો ખર્ચ તેમજ ઘરેથી બાળક જે તે સ્કુલે ભણવા જાય એટલે લાવવા લઈ આવવાનો ખર્ચ ઉપરાંત  બાળકોને નાસ્તાનો ડબ્બો આપવો, નાસ્તો આપવો વગેરેનો પણ ખર્ચ આમ શાળામાં બાળકના પ્રવેશ સાથે જુદા જુદા ખર્ચ થાય છે. બાળક જેમ જેમ આગળ અભ્યાસ એટલે કે ઉપલા વર્ગમાં આવતો જાય તેમ ખર્ચમાં પણ વધારો થતો રહે છે. શાળાઓનાં ભણતર પુર્ણ કરાયા બાદ હાઈસ્કુલ, કોલેજનાં શિક્ષણ માટેની તૈયારી અને તેમાં પણ અભ્યાસક્રમ અનુસાર ફી નું ધોરણ અને ખર્ચ હોય છે. કહેવાનો મતલબ એ છે કે, આજે  મોંઘવારીનાં સમયમાં ભણતર પણ મોંઘુ થઈ રહયું છે. ભલે કહેવામાં આવતું હોય કે ભાર વિનાનું ભણતર પણ તે માત્ર કાગળ ઉપર જ રહી ગયું હોવાનું વાલીઓની વ્યથા છે. શાળાઓ ખુલી ગઈ છે. હવે આજકાલમાં જ જૂનાગઢ સહીત રાજયભરમાં સરકારી તંત્ર દ્વારા શાળા પ્રવેશોત્સવનાં સંખ્યાબંધ કાર્યક્રમો યોજાશે અને એકપણ બાળક અભ્યાસથી વંચિત ન રહે તે માટે કાળજી લેવામાં આવી રહયા હોવાનાં દાવાઓ કરવામાં આવશે પરંતુ આજે સેંકડો બાળકો એવા છે કે, પરિવારની આર્થિક સ્થિતીને કારણે બાળકોને અભ્યાસ મુકી દેવો પડે છે અથવા તો ભણાવવામાં જ આવે નહીં તેમ પણ બને. ભાર વિનાનું ભણતર આજે આર્થિક બોજનાં કારણે માત્ર કાગળ ઉપર જ રહી ગયું હોવાનો સમય સર્જાયો છે. 
અને છેલ્લે..
શાળા પ્રવેશોત્સવનાં કાર્યક્રમો યોજી નાણાનો ખર્ચ કરી નાખનારા તંત્રનાં આયોજકો જરૂરીયાતમંદ બાળકને સહાયભુત બનવામાં આવે અને આ બાળક જાે ભણવા લાગે તોજ શાળા પ્રવેશોત્સવનો અર્થ સાર્થક  થશે અને કોઈ બાળક ભણવાથી વંચીત ન રહે તે લેખે લાગશે.