શિવરાત્રીનાં મેળામાં સીનીયર સીટીઝનો અને દિવ્યાંગોની સેવા માટે રખાયેલ ઓટો રીક્ષાને ભાડુ ચુકવી દેવા આવેદનપત્ર અપાયું

શિવરાત્રીનાં મેળામાં સીનીયર સીટીઝનો અને દિવ્યાંગોની સેવા માટે રખાયેલ ઓટો રીક્ષાને ભાડુ ચુકવી દેવા આવેદનપત્ર અપાયું

જૂનાગઢ તા. 20
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી ખાતે ચાલુ વર્ષે શિવરાત્રીનો મેળો ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો. આ મેળા દરમ્યાન વાહનોનાં પ્રતિબંધ હોવાથી દિવ્યાંગો અને સીનીયર સીટીઝનોની સુવિધા માટે જીલ્લા વહીવટી દ્વારા 50 ઓટો રીક્ષા ભાડે રાખવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી હજુ તેનુ ભાડુ ચુકવવામાં આવ્યું ન હોય જેને લઈને રીક્ષા ચાલકો આર્થિક સંકટનો સામનો કરી રહયા છે અને આ અંગે આવેદનપત્ર પાઠવી અને રજુઆતો કરવામાં આવી છે. 
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢમાં ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રીના મેળાને આ વર્ષે મીની કુંભ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ મેળામાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવાથી દિવ્યાંગો અને સીનીયર સીટીઝનોની સુવિધા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા 50 ઓટો રીક્ષાઓ ભાડે રાખવામાં આવી હતી. જાે કે મેળો પૂર્ણ થયાને 3 મહીના જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ રીક્ષા ચાલકોને તેમનું નકકી થયેલું મહેનતાણું હજુ સુધી ચુકવવામાં ન આવતા તેઓ ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહયા છે. આ મુદે એકતા રીક્ષા ચાલક એસો. દ્વારા જૂનાગઢ કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આરટીઓ અધીકારી મારફતે 50 રીક્ષાઓનું રજીસ્ટ્રેશન કરાયું હતું. દિવત-રાત પાંચ દિવસ સુધી આ રીક્ષાઓ મેળામાં ફરજ પર રહી હતી. પ્રતિદિન રૂા. 2800 લેખે પાંચ દિવસનાં એક રીક્ષાનાં રૂા. 14000અને ઓવરટાઈમ સાથે એક રીક્ષાનું અંદાજે રૂા.142500 જેટલું પેમેન્ટ ચુકવવાનું થાય છે. આમ 50 રીક્ષાઓનું કુલ અંદાજે રૂા. 7,12,500 જેટલું ભાડુ હજુ સુધી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુકવવામાં આવ્યું નથી. રીક્ષા ચાલકોની માંગણી છે કે વહેલી તકે તેમનું પેમેન્ટ ચુકવવામાં આવે. આવેદનમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જાે 15 દીવસમાં બાકી રકમ ચુકવવામાં નહી આવે તો રીક્ષા ચાલકો આંદોલનાત્મક પગલા ભરવા મજબુર બનશે. આ અંગે નિવાસી અધિક કલેકટર બી.એસ.બારડે જણાવ્યું હતું કે, આ વખતે મહાશિવરાત્રીના મેળામાં વાહનો પર પ્રતિબંધ હોવાથી સીનીયર સીટીઝન અને દિવ્યાંગજનોને અગવડ ન પડે તે માટે રીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ રીક્ષા ચાલકોનું ચુકવણું બાકી હોવાની રજુઆતો મળી છે. આ માટેનાં મોટાભાગાં રીક્ષા ચાલકોના ડોકયુમેન્ટસ મેળવી લેવામાં આવ્યા છે. જાે કોઈ ડોકયુમેન્ટસ ખુટતા હશે તો તેની પુર્તતા કરી લેવામાં આવશે. ટુંક સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી રીક્ષા ચાલકોને ચુકવણું કરી દેવામાં આવશે તેમ જણાવ્યું  હતું.