સલમાન ખાનની ‘માતૃભૂમિ’ના ટ્રેલરને સેન્સર બોર્ડની મંજૂરી
ગલવાન ઘાટી સંઘર્ષ પર આધારિત ફિલ્મ 20 નવેમ્બરે રિલીઝ થવાની શક્યતા; સની દેઓલની ‘સૂર્યા’ સાથે બોક્સ ઓફિસ ટક્કર થઈ શકે
મુંબઈ તા.6
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ’ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફિલ્મના અંદાજે પોણા પાંચ મિનિટના ટ્રેલરને બુધવારે સેન્સર બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જોકે, હજુ સમગ્ર ફિલ્મને સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર મળવાનું બાકી છે. ટ્રેલરને લીલી ઝંડી મળતાં ફિલ્મની રિલીઝને લઈને નિર્માતાઓમાં આશા જાગી છે અને હવે રિલીઝની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ગલવાન ઘાટી સંઘર્ષ પર આધારિત આ ફિલ્મ છેલ્લા ઘણા મહિનાઓથી અટવાયેલી છે. ચીન સાથેના સંબંધો પર તેની અસર ન પડે તે હેતુથી ફિલ્મની રિલીઝ રોકવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ દરમિયાન ફિલ્મની મૂળ વાર્તા સહિત અનેક બાબતોમાં ફેરફાર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. લાંબા સમય બાદ ટ્રેલરને મંજૂરી મળતાં હવે સમગ્ર ફિલ્મને પણ ટૂંક સમયમાં સેન્સર સર્ટિફિકેટ મળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર, અગાઉ આ ફિલ્મને 13 નવેમ્બરે રિલીઝ કરવાની તૈયારી કરવામાં આવી હતી. જોકે, સેન્સર પ્રક્રિયામાં વધુ સમય લાગી શકે તેમ હોવાથી હવે ફિલ્મ 20 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થાય તેવી શક્યતા છે. બીજી તરફ, સની દેઓલની ફિલ્મ ‘સૂર્યા’ની રિલીઝ સામે રહેલો કાનૂની અવરોધ પણ દૂર થઈ ગયો છે અને આ ફિલ્મને પણ 20 નવેમ્બરે રિલીઝ કરવાની યોજના હોવાનું જાણવા મળે છે. જો બંને ફિલ્મો નિર્ધારિત તારીખે એકસાથે રિલીઝ થશે, તો સલમાન ખાન અને સની દેઓલ વચ્ચે બોક્સ ઓફિસ પર રસપ્રદ ટક્કર જોવા મળી શકે છે.


