આઈ.ટી.આઈ. જૂનાગઢ ખાતે યોજાયેલ PMNAM એપ્રેન્ટીસ ભરતી મેળામાં ૩૪૮ ઉમેદવારોની પસંદગી
જૂનાગઢ,તા.૨૦
સરકારી આઈ.ટી.આઈ. જૂનાગઢ ખાતે આચાર્ય ભગીરથસિંહ જાળીયાના માર્ગદર્શન હેઠળ PMNAM (પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ મેળા)નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભરતી મેળામાં જૂનાગઢ જિલ્લાના સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના વિવિધ એકમો દ્વારા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસ ઉમેદવારોની બહોળા પ્રમાણમાં ભરતી કરવામાં આવી હતી. જેમાં GSRTC જૂનાગઢ, જૂનાગઢ ડેરી, નગરપાલિકા વંથલી, આલ્ફા મશીન ટૂલ્સ, જૂનાગઢ જ્વેલરી પ્રા. લિ., ઉષા બ્રેકો, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, પરફેક્ટ મોટર્સ, સામન્વય હોસ્પિટલ તથા ફર્ન હોટેલ, જૂનાગઢ સહિતના એકમો ઉપસ્થિત રહ્યા હતા.
આ ભરતી મેળામાં વિવિધ વ્યવસાયોમાં એપ્રેન્ટીસશીપ માટે કુલ ૫૫૭ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી વિવિધ કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યુ/પસંદગી પ્રક્રિયા હાથ ધરી કુલ ૩૪૮ ઉમેદવારોની એપ્રેન્ટીસ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ રીતે મોટી સંખ્યામાં ઉમેદવારોને એપ્રેન્ટીસશીપની તક મળતા તાલીમાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ ભરતી મેળાના સફળ આયોજન બદલ આચાર્ય દ્વારા ઉપસ્થિત વિવિધ એકમો, ઉમેદવારો તથા સમગ્ર આયોજન સાથે સંકળાયેલા કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


