કામધેનું યુનિવર્સિટી સંલગ્ન પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય જૂનાગઢ ખાતે માદા અશ્વમાં મોતિયાની સફળ શસ્ત્રક્રિયા

કામધેનું યુનિવર્સિટી સંલગ્ન પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય જૂનાગઢ ખાતે માદા અશ્વમાં મોતિયાની સફળ શસ્ત્રક્રિયા

જૂનાગઢ, તા.૧૮
કામધેનુ યુનિવર્સિટી સંલગ્નપશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢના પશુ સારવાર સંકુલ ખાતે પશુ નેત્રચિકિત્સાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાગીર સોમનાથ જીલ્લાના ઇણજ મુકામે આવેલ અશ્વ ઉછેર કેન્દ્રના કાઠીયાવાડી માદા અશ્વની આંખમાં રહેલ મોતિયાને ઇસીસીઇ (Extra-Capsular Cataract Extraction) પદ્ધતિ દ્વારા દુર કરવામાં આવેલ છે. આ શસ્ત્રક્રિયા સર્જરી વિભાગના વડાડૉ. એસ. કે. ઝાલા દ્વારા કરવામાં આવી હતી. જેમાં ડૉ. આર. એચ. ભટ્ટ, ડૉ. આર. જી. કાંટીયા, ડૉ. એન. આર. પાડલિયા અને ડૉ. વી. ડી. ડોડીયાદ્વારા જરૂરી સહયોગ અને તબીબી મદદ પૂરી પાડવામાં આવી હતી.વિભાગના અનુસ્નાતક વિદ્યાર્થીઓડૉ. ઝરણા, ડૉ. સચિન, ડૉ. મયુર, ડૉ. સુભાષ, ડૉ. નંદન અને ડૉ. વિધિની ભાગીદારીથી પ્રિ-ઓપરેટિવ તૈયારીથી લઈને શસ્ત્રક્રિયા અને અનુગામી સારવાર સુધીની સમગ્ર પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે હાથ ધરવામાં આવી હતી.જેમાં અશ્વ ઉછેર કેન્દ્ર, ઇણજના મદદનીશ પશુપાલન નિયામક ડૉ. ડી. કે. ચોચાનાં પ્રયત્નો વિશેષ નોંધપાત્ર રહ્યા. વધુમાં, પશુ શસ્ત્રક્રિયા અને ક્ષ-કિરણ વિભાગના વડા ડૉ. એસ. કે. ઝાલાએ જણાવ્યું હતું કે, પશુઓમાં નેત્રરોગોનું સમયસર નિદાન અને યોગ્ય સારવાર કરવી અત્યંત મહત્વપૂર્ણ છે. મોતિયો, કોર્નિયલ અલ્સર, યુવેઇટિસ અને ગ્લુકોમા જેવા રોગોમાં સમયસર સારવાર ન મળવાથી દ્રષ્ટિ પર ગંભીર અને કાયમી અસર થઈ શકે છે.
ડૉ. એમ. ડી. ઓડેદરા, આચાર્ય, પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના જણાવ્યાનુસાર, પશુઓમાં જાેવા મળતી વિવિધ નેત્રરોગની પરિસ્થિતિઓના સચોટ નિદાન અને અસરકારક વ્યવસ્થાપન માટે અત્રે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ વર્ષમાં અત્યાર સુધીમાં કુલ આઠ શ્વાન અને એક વાછરડામાં પણ મોતિયાની સર્જરી કરવામાં આવેલ છે તથા પશુઓને અદ્યતન અને ગુણવત્તાયુક્ત ક્લિનિકલ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે મહાવિદ્યાલય સતત પ્રયત્નશીલ છે.