જૂનાગઢ મનપા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : મેયરનાં હસ્તે ધ્વજવંદન
જૂનાગઢ તા. ૧પ
સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય દિન ૧૫ મી ઓગસ્ટની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે,ભારતીય સ્વતંત્રતા લાંબા સંઘર્ષની યાદ અપાવે છે તેમજ દેશભરમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવના સાથે સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત મહાનગર પાલિકા જુનાગઢ દ્વારા ૮૦માં સ્વાતંત્ર્ય દિવસ નિમિતે આજ તા. ૧૫/૦૮/૨૦૨૬ શનિવારના રોજ સમય ૦૯:૦૦ કલાકે મહાનગર પાલિકા કચેરી,આઝાદ ચોક ખાતે મેયર ધર્મેશ ડી.પોંશીયાના વરદ હસ્તે ધ્વજવંદન કર્યુ હતું. આ તકે કમિશ્નર આઈ.આર. વાળા,ડે.મેયર આકાશભાઈ કટારા,નાયબ કમિશનર ડી.જે.જાડેજા તથા જયેશભાઈ પી.વાજા, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, કોર્પોરેટર ચંદ્રિકાબેન રાખસિયા, પુંજાભાઈ સિસોદિયા, સોનલબેન પનારા, પરાગભાઈ રાઠોડ, પ્રવીણભાઈ વાઘેલા, વંદનાબેન દોશી, ભાવનાબેન વ્યાસ, સેક્રેટરી કલ્પેશભાઈ જી.ટોલિયા, ચીફ ઓડીટર આર.આર.રાવલીયા, એસ.ટી.પી.ઓ. પી.ડી.ગાંધી, એમ.ઓ.એચ. ડૉ.રવિ ડેડાણીયા, અગ્રણી લીલાભાઈ પરમાર,પ્રવીણભાઈ અકબરી વગેરે તેમજ મહાનગર પાલિકા, જુનાગઢના અધિકારીઓ, કર્મચારીઓ,ફાયર જવાનો, પોલીસ જવાનો,શાળાના વિધાર્થીઓ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે મેયર ધર્મેશ ડી.પોંશીયાએ પ્રાસંગીક ઉદબોધનમાં જણાવેલ કે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વના પાવન અવસરે સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવતાં દેશના વીર જવાનો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું. આજે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત આપણા રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ્"ના ૧૫૦ ઐતિહાસિક વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭‘ના સંકલ્પ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સાથે જૂનાગઢ પણ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. જૂનાગઢ મહાનગરમાં નરસિંહ મહેતા સરોવરનું આધુનિક ડેવલપમેન્ટ, ખામધ્રોળ અને જાેશીપરામાં નવા PHC સેન્ટર, દોલતપરા તેમજ ઝાંઝરડા રોડ પર અદ્યતન ફાયર સ્ટેશન, ખલીલપુર રોડ પર યોગ સ્ટુડિયો-જિમ અને નાના વેપારીઓ માટે ટીંબાવાડી ખાતે હોકર્સ ઝોન જેવી લોકઉપયોગી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આવો, સૌ સાથે મળીને વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને વિકસિત જૂનાગઢના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ.
આ પ્રસંગે મહાનગર પાલિકા,જૂનાગઢની સેનિટેશન શાખાના ૧૪ સફાઈ કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બિરદાવવા તેમજ મેંદરડા ખાતે પૂરમાં ફસાયેલ લોકોના બચાવ કામગીરી કરવા બદલ ૧૧ ફાયર જવાનોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.


