ચૂંટણીપંચે રાતોરાત ફોર્મ નં.૬માં ફેરફાર કર્યો : નવા વોટરોએ વધારાની માહિતી નહીં આપવી પડે

અન્ય બે ચૂંટણી કમિશ્નરોના વિરોધ બાદ નિર્ણય કરાયો : ચૂંટણી પંચે ઓનલાઈન ફોર્મ-૬માંથી વધારાનું ઘોષણાપત્ર હટાવી દીધું

ચૂંટણીપંચે રાતોરાત ફોર્મ નં.૬માં ફેરફાર કર્યો : નવા વોટરોએ વધારાની માહિતી નહીં આપવી પડે

(એજન્સી)     નવી દિલ્હી તા.૩૦
ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પૂર્ણ થઈ ચૂકેલા રાજ્યોમાં ઑનલાઇન ફોર્મ ૬માંથી વધારાનું ઘોષણાપત્ર હટાવી દીધું છે. એટલે કે SIR પૂર્ણ થયા બાદ ફોર્મ ૬માં SIR સંબંધિત વધારાની માહિતી માંગવામાં આવશે નહીં.
જોકે જે રાજ્યોમાં SIR ચાલી રહ્યું છે, ત્યાં ફોર્મ ૬માં આ ઘોષણા હજી પણ દેખાઈ રહી છે. આ ફેરફાર મંગળવારે મોડી રાત્રે ECINET પોર્ટલ પર કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે ૨૬ સપ્ટેમ્બરે તેની જાહેરાત કરી હતી.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, બે ચૂંટણી કમિશનર વિવેક જોશી અને સુખબીર સિંહ સંધુએ આ અંગે વાંધો વ્યક્ત કર્યો હતો. ફોર્મ ૬નો ઉપયોગ મતદાર યાદીમાં નામ ઉમેરાવવા માટે થાય છે.
SIRમાં જૂની મતદાર યાદીમાંથી નવા અને હાલના મતદારોની માહિતી મેળવવામાં આવે છે. નવા મતદારો પાસેથી તેમના અથવા પરિવારના સભ્યોનાં નામ અગાઉની SIRની યાદીમાં હોવા અંગેની માહિતી માંગવામાં આવી હતી.
શરૂઆતમાં આ માટે અલગ ઘોષણાપત્ર હતું. બાદમાં આ જ માહિતી ઑનલાઇન From 6માં ઉમેરવામાં આવી, પરંતુ ડાઉનલોડ કરી શકાય તેવા From 6માં આ ભાગ સામેલ નહોતો.