અમારૂં લક્ષ્ય બિહારને મેડ ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બનાવવાનું છે : મોદી
જાહેર રેલીમાં મોદીએ જણાવ્યું કે આવતા વર્ષ સુધીમાં ૧૦ મિલિયન નવી નોકરીઓનું સર્જન થશે, અને આ માટે એક સંપૂર્ણ રોડમેપ તૈયાર કરાયો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પટણા, તા.૩
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા આરામાં એક જાહેર રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએના ચૂંટણી ઢંઢેરાના અને બિહારના વિકાસ અંગે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે દિલ્હીમાં રહેતા લોકો પવનની દિશા નક્કી કરી શકતા નથી, અને બિહારના લોકો એનડીએ સાથે છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે આવતા વર્ષ સુધીમાં ૧૦ મિલિયન નવી નોકરીઓનું સર્જન થશે, અને આ માટે એક સંપૂર્ણ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે ૧.૩ કરોડ મહિલાઓના ખાતામાં ૧૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, અને એનડીએ સરકાર બન્યા પછી આ સહાયમાં વધારો કરવામાં આવશે. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું, "એક તરફ, એનડીએનો પ્રામાણિક ઢંઢેરો છે, અને બીજી તરફ, મહાગઠબંધનનો જુઠ્ઠાણોનો ઢગલો છે."
તેમણે જનતાને બિહારને જંગલ રાજથી બચાવવા અને ફરી એકવાર NDA સરકાર બનાવવા અપીલ કરી. તેમણે વધુમાં કહ્યું, "વિકસિત બિહાર એ વિકસિત ભારતનો પાયો છે, અને હું આ માટે તમારો ટેકો મેળવવા આવ્યો છું."
પીએમ મોદીએ વધુમાં કહ્યું, "બિહાર દેશમાં સૌથી વધુ યુવા વસ્તી ધરાવતા રાજ્યોમાંનું એક છે, તેથી NDA બિહારમાં શિક્ષણ અને કૌશલ્ય પર ખૂબ ભાર મૂકી રહ્યું છે. અમારો સંકલ્પ છે કે બિહારના યુવાનો બિહારમાં કામ કરશે અને બિહારને ગૌરવ અપાવશે. આ માટે, અમે આગામી વર્ષોમાં એક કરોડ નોકરીઓનું સર્જન કરવાની જાહેરાત કરી છે. આ ફક્ત જાહેરાત નથી; આ કેવી રીતે થશે તેની યોજના પણ જનતા સમક્ષ રજૂ કરવામાં આવી છે."
તેમણે વધુમાં કહ્યું, "આજે દુનિયામાં મેક ઇન ઇન્ડિયાને લઈને ઘણો ઉત્સાહ છે. અમારું લક્ષ્ય બિહારને મેડ ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બનાવવાનું છે. આ કરવા માટે, અમે હજારો નાના અને કુટીર ઉદ્યોગોના નેટવર્કને મજબૂત બનાવીશું."
પીએમ મોદીએ આરજેડી પર કટાક્ષ કરતા કહ્યું, "આરજેડીના જંગલ રાજને વ્યાખ્યાયિત કરતી બાબતો છે: હિંસા, ક્રૂરતા, કડવાશ, ખરાબ રીતભાત, ખરાબ શાસન અને ભ્રષ્ટાચાર."
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના નવાદા અને આરામાં ચૂંટણી સભાઓ સંબોધીને વિપક્ષી ગઠબંધન, ખાસ કરીને RJD અને કોંગ્રેસ પર તીવ્ર પ્રહારો કર્યા હતા. સભામાં તેમણે દાવો કર્યો કે, ‘નામાંકન પાછું ખેંચતા પહેલા બિહારમાં ગુંડાગર્દીનો ખેલ ખેલાયો હતો. કોંગ્રેસની ઈચ્છા ન હોવા છતાં સીએમ પદે આરજેડીનું નામ હોય અને આરજેડીએ પણ તક ઝડપી લીધી.’
જનસભા ગજવતા મોદીએ કહ્યું કે, ‘આરજેડીએ કોંગ્રેસની કાનપટ્ટી પર કટ્ટો રાખીને મુખ્યમંત્રી પદ ચોરી લીધું છે. આરજેડી અને કોંગ્રેસ વચ્ચેનો આંતરિક ઝઘડો વધ્યો છે. ચૂંટણી બંને એકબીજાના માથા ફોડવા લાગશે, તેથી આવા લોકો ક્યારેય બિહારનું ભલું કરી શકે નહીં.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘વિકસિત ભારત બનાવવા માટે બિહારનો વિકાસ થવો જરૂરી છે, પરંતુ આરજેડી અને કોંગ્રેસ ક્યારેય બિહારને વિકસિત કરી શક્યા નથી. આ લોકોએ બિહાર પર અનેક વર્ષો સુધી રાજ કર્યું હતું, પરંતુ તેઓએ તમારી સાથે માત્ર વિશ્વાસઘાત કર્યો છે. જ્યાં કટ્ટા અને ક્રૂરતાનું રાજ હોય, ત્યાં કાયદો દમ તોડી નાખે છે.
વડાપ્રધાન મોદીએ પ્રજાને કહ્યું કે, ‘બિહાર જંગલરાજ પરત ન આવવું જાેઈએ, તેથી ફરી એકવાર એનડીએ સરકાર બનવી જાેઈએ. એક તરફ અમારો ચૂંટણી ઢંઢેરો છે, તો બીજીતરફ મહાગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો, તેમના મેનિફેસ્ટોમાં ખોટા વચન અપાયા છે, તે પ્રજા જાણે છે. વિકસિત બિહાર વિકસિત ભારતનો આધાર છે. વિકસિત બિહાર એટલે કે, ઔદ્યોગિક વિકાસ.
બિહારના યુવાઓ માટે બિહારમાં જ રોજગારી છે. તમારું સ્વપ્ન પુરુ કરવું, તે જ અમારો સંકલ્પ છે.
તેમણે કહ્યું કે, આ વખતે બિહારની પ્રજા એનડીએને રેકોર્ડ બેઠકોથી જીતાડશે. આ જંગલરાજવાળા લોકો આ વખતની ચૂંટમીમાં શરમજનક હારનો રેકોર્ડ નોંધાવશે, કારણ કે બિહારની જૂની અને નવી પેઢીએ ર્નિણય કર્યો છે કે, રાજ્યમાં ફરી એકવાર એનડીએ સરકાર બનશે.’


