જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા "સ્વચ્છ શહેર ૧૦૦ દિવસ મહાઅભિયાન" અંતર્ગત ફૂડ શાખા, ડાઇનિંગ હોલ તથા રેસ્ટોરેન્ટ પ્રતિનિધિઓ માટે તાલીમ કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૩૦
જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ(CTU)ની નાબૂદીથી લઈને વિઝિબલ ક્લીનલીનેસ(Visible Cleanliness)ના લક્ષ્યાંકને સિદ્ધ કરવાના ભાગરૂપે "સ્વચ્છ શહેર ૧૦૦ દિવસ મહાઅભિયાન" શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, ૨૦૨૬ ના અમલીકરણ અને નામદાર સુપ્રીમ કોર્ટના સિવિલ અપીલ નં. ૬૧૭૪/૨૦૨૩ ના આદેશોના ચુસ્ત પાલન અર્થે કચરાના ચાર રીતે વર્ગીકરણ (સોર્સ સેગ્રીગેશન) કરવાના ભાગરૂપે તા.૨૯-૯-૨૦૨૬ ના રોજ જૂનાગઢ મહાનગર પાલિકાની ફૂડ શાખા, ડાઇનિંગ હોલ તથા રેસ્ટોરેન્ટ પ્રતિનિધિઓ માટે ચાર ડબ્બાઓમાં કચરાના અલગ-અલગ વર્ગીકરણ અંગે વિસ્તૃત તકનીકી સમજ પૂરી પાડવામાં આવી હતી. જેમાં લીલા ડબ્બા(Green Bin)માં કિચન વેસ્ટ, ફૂડ વેસ્ટ, વેજીટેબલ વેસ્ટ, ફ્રૂટ વેસ્ટ, ફૂલ વેસ્ટ, ખાદ્યપદાર્થો તથા અન્ય બાયો-ડિગ્રેડેબલ ભીનો કચરો; બ્લુ ડબ્બા(Blue Bin)માં પ્લાસ્ટિક, પેપર, રબર, વુડ, મેટલ વગેરે સૂકો કચરો (ભીનો, સેનેટરી અને સ્પેશિયલ કેર સિવાયનો રિસાયકલ કરી શકાય તેવો તથા રિસાયકલ ન કરી શકાય તેવો કચરો); લાલ ડબ્બા(Red Bin)માં ઉપયોગ કરેલા ડાયપર, સેનેટરી નેપકીન/ટોવેલ, સેનેટરી વેસ્ટ, ટેમ્પોન્સ, બેન્ડેઝ, બેડ પ્રોટેક્શન શીટ વગેરે સેનેટરી કચરો; તેમજ કાળા ડબ્બા(Black Bin)માં વેસ્ટ બેટરી, પેન્સિલ સેલ, બલ્બ, ટ્યુબલાઇટ, એક્સપાયર્ડ મેડિસિન, જંતુનાશક દવાના ડબ્બા, તૂટેલા મરક્યુરી થર્મોમીટર, વપરાયેલ સિરીંજ/નીડલ, કલરના ડબ્બા, ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ તથા CPCB દ્વારા સમયાંતરે નિર્ધારિત કરાયેલ અન્ય સ્પેશિયલ કેર/જોખમી કચરાના નિકાલ અંગે સવિસ્તાર માર્ગદર્શન અપાયું હતું. આ તકે "મારૂ શહેર, મારી ઓળખ - સ્વચ્છતા છે સૌની જવાબદારી" ના મંત્ર સાથે શહેરને સંપૂર્ણ સ્વચ્છ બનાવવા સૌએ દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ અગ્રણીઓ તેમજ શાખાઓના કર્મચારીઓએ સ્વચ્છતા અંગેના સામૂહિક શપથ લીધા હતા અને કચરાના વર્ગીકરણ અંગે સંકલ્પ પત્ર ભર્યા હતા. આ સાથે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ડોર-ટુ-ડોર કચરા કલેક્શન સંબંધિત ફરિયાદ માટે મોબાઈલ નં. ૯૬૩૮૨ ૨૦૩૨૦ તેમજ કચરા વ્યવસ્થાપન સંબંધિત અન્ય ફરિયાદો માટે જૂનાગઢ-૩૧૧ એપ, લેન્ડલાઈન નં. ૦૨૮૫-૨૬૫૪૭૩૦ અથવા ટોલ ફ્રી નં. ૧૮૦૦૨૩૩૩૧૭૧ પર સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે.


