જૂનાગઢમાં કેન્દ્રીય હિન્દી સંસ્થાન અને ગોધાણી કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ૧૨-દિવસીય રાષ્ટ્રીય હિન્દી ભાષા સંચેતના શિબિરનો ભવ્ય સમાપન સમારોહ સંપન્ન

જૂનાગઢમાં કેન્દ્રીય હિન્દી સંસ્થાન અને ગોધાણી કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ૧૨-દિવસીય રાષ્ટ્રીય હિન્દી ભાષા સંચેતના શિબિરનો ભવ્ય સમાપન સમારોહ સંપન્ન

(પ્રતિનીધિ દ્વારા)
જૂનાગઢ તા.૩૦
હરિભાઈ ગોધાણી કેમ્પસ ખાતે કેન્દ્રીય હિન્દી સંસ્થાન, આગ્રા(શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર) અને શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમ. જે. એસ. ગોધાણી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, જૂનાગઢના સંયુક્ત તત્વાવધાનમાં આયોજિત ૧૨-દિવસીય ‘ગુજરાતી ભાષી છાત્રાઓ માટે હિન્દી ભાષા સંચેતના શિબિર‘નો ભવ્ય અને ગરિમાપૂર્ણ સમાપન સમારોહ દેશના ઉચ્ચ શિક્ષણ જગતના અગ્રણીઓ અને વહીવટી સત્તાધીશોની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્સાહભેર સંપન્ન થયો હતો. આ રાષ્ટ્રીય સ્તરની શિબિરમાં કોલેજના વિવિધ શૈક્ષણિક વિભાગોમાંથી આવેલી કુલ ૨૪૦ વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર-પ્રસાર, વ્યાકરણ અને સાહિત્યના વિવિધ પાસાઓનું સઘન પ્રશિક્ષણ સફળતાપૂર્વક મેળવ્યું હતું. સમગ્ર સમારોહનું ખૂબ જ ઓજસ્વી અને સાહિત્યિક શૈલીમાં સફળ મંચ સંચાલન ડો. ભાવિકા સી. ચોટલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત માનનીય રાજ્યસભા સાંસદ માનસિંહભાઈ પરમાર સાહેબે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં હિન્દી ભાષાને રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સાંસ્કૃતિક સમન્વયનું મુખ્ય ચાલક બળ ગણાવી આ ભગીરથ આયોજન બદલ બંને સંસ્થાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ અને જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટીના માનનીય કુલપતિ ડો. વી.પી. ચોવટીયા સાહેબે પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં રાષ્ટ્રીય વિકાસમાં ભાષાકીય સેતુના મહત્વ પર ભાર મૂકી ઉચ્ચ શિક્ષણમાં હિન્દી સંચેતનાની અનિવાર્યતા સમજાવી હતી. આ પાવન અવસરે સુભાષ યુનિવસિર્ટીના કુલપતિ ડો. દીપક પટેલ, કેન્દ્રીય હિન્દી સંસ્થાનના ક્ષેત્રીય નિયામક ડો. સુનિલકુમાર અને ટ્રસ્ટના ચેરમેન જે. કે. ઠેસિયા સહિત શિક્ષણ જગતના અનેક ઉચ્ચ શિક્ષણવિદો મંચ પર ગરિમાપૂર્વક બિરાજમાન રહ્યા હતા. કોલેજના આચાર્યા ડૉ. જમકુબેન એ. સોજીત્રાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી ૧૨ દિવસના અકાદમિક સત્રોનો અહેવાલ રજૂ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓએ "અમે ગુજરાતી લહેરી લાલા" ગીત પર મનમોહક સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરીને સભાખંડને તાળીઓથી ગુંજવી દીધો હતો. સમાપન અવસરે અતિથિઓના વરદહસ્તે તમામ ૨૪૦ શિબિરાર્થી છાત્રાઓને સત્તાવાર પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંસ્થાના તમામ વિભાગીય વડા તેમજ પ્રિન્સિપાલ હાજર રહયા હતા. અંતમાં શિબિરના સહ-સંયોજક ડો. યુ.ડી. પટેલે ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો અને સામૂહિક રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની સત્તાવાર પૂર્ણાહુતિ થઈ હતી. આ કાર્યક્રમ આ કાર્યક્રમની સફળતા બદલ કોલેજના પ્રિન્સિપાલ ડો. જમકુબેન સોજીત્રા, તથા સંસ્થાના ચેરમેન મેનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેસીયા તથા જોઇન્ટ મેનેજીંગ ટ્રસ્ટી મૃણાલીનીબેન ગોધાણીએ શુભેચ્છા પાઠવી હતી.