બંગલાવાડી અને નવા ભળેલ વિસ્તારોમાં ગંદકી-અસુવિધાને લીધે ખંભાળીયા નગરપાલીકાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર જાહેર કરતા સ્થાનિકો
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૧૪
ખંભાળીયા નગરપાલીકાને થોડા સમય પૂર્વે જ એ ગ્રેડમાં સમાવિષ્ટ કરવાની સાથે ગ્રામ પંચાયતો અને અનેક સોસાયટી વિસ્તારોને નગરપાલીકામાં ભેળવવામાં આવ્યા હતા, જે પૈકી શકિતનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ બંગલાવાડી વિસ્તારની ઢગલાબંધ સોસાયટી વિસ્તારના રહીશોએ સામુહિક રીતે ૨૬ એપ્રીલના રોજ થનાર મતદાનનો બહિષ્કાર કરવા જાહેર કરતા તેના પડઘા ગાંધીનગર સુધી પડયા છે. આ બંગલાવાડી વિસ્તારમાં કચરો, ગંદકી, ગંદુ પાણી વિતરણ, ભૂગર્ભ ગટર તથા ગટરો છલકાવવાની ફરીયાદો સ્થાનીક રહીશો દ્વારા કરવામાં આવી હોય જેના કારણે મતદાનના બહિષ્કારની ચિમકી આપતા ગાંધીનગર રાજ્ય પાલીકા કમીશ્નર દ્વારા રાજયના જી.યુ.ડી.એમ. વિભાગના સુપ્રિ. ઈજનેરની આગેવાનીમાં વિશેષ ટીમ ખંભાળીયા દોડી આવી હતી અને સબંધિત વિસ્તારોમાં ચકાસણી બાદ પાલીકાની વ્યવસ્થા અંગે રીપોટ’ગ કર્યુ હતું. ગઈકાલે પાલીકાના રાજકોટ પ્રાદેશિક નિયામકને પણ ખંભાળીયા દોડાવ્યા હતા. જેમની ચકાસણી બાદ તાકીદે કાર્યવાહીના આદેશો થતા પાલીકા તંત્ર દોડતું થયું હતું.
ખંભાળીયા નગરપાલીકા વિસ્તારમાં જે વિસ્તારો ભળ્યા છે તેમાં બંગલાવાડી સહિત હર્ષદપુર, ધરમપુર, રામનગર, શકિતનગર સહિતના અનેક વિસ્તારો ભળ્યા હોય.
પાલીકામાં આઠ સીટોનો વધારો થયો છે આમ છતાં સાત માસ ઉપરાંતના સમયમાં આ વિસ્તારોમાં હજુ સુધી ગટર અને સફાઈ મામલે મહત્ત્વપૂર્ણ કામો જરૂરીયાત અનુસાર થયા ન હોય સ્થાનીકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરીયાદો ઉઠી છે.


