સોના-ચાંદીમાં તેજીનું વાવાઝોડું : સોનુ રૂા.૧.૬ર લાખ - ચાંદી રૂા.૩.૩પ લાખની નવી ટોચે પહોંચી

કિંમતી ધાતુના ભાવોએ આજે તમામ ઐતિહાસીક સપાટી તોડી નાખી : ચાંદીમાં એક જ દિવસમાં રૂા.૧ર૬૦૦નો જંગી ઉછાળો 

સોના-ચાંદીમાં તેજીનું વાવાઝોડું : સોનુ રૂા.૧.૬ર લાખ - ચાંદી રૂા.૩.૩પ લાખની નવી ટોચે પહોંચી

(એજન્સી)          મુંબઈ તા.૨૩ :
આજે સવારે દેશના બુલિયન માર્કેટમાં એક એવી ઘટના બની છે જેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડને ધ્વસ્ત કરી નાખ્યા છે. વૈશ્વિક સ્તરે જોવા મળી રહેલી આર્થિક અનિશ્ચિતતાઓ અને સુરક્ષિત રોકાણ તરફના પ્રવાહને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. ખાસ કરીને વાયદા બજાર એટલે કે એમસીએક્સ (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર આજે સવારે બજાર ખુલતાની સાથે જ જે પ્રકારે ભાવોમાં ઉછાળો આવ્યો છે તે જોઈને મોટા મોટા વિશ્લેષકો પણ ચોંકી ઉઠયા છે. 
ચાંદીમાં એક જ દિવસમાં રૂપિયા ૧૨,૬૩૮નો જંગી ઉછાળો નોંધાયો છે, જે કદાચ ઈતિહાસનો સૌથી મોટો ઈન્ટ્રા-ડે ઉછાળો માનવામાં આવે છે. આ તેજીને પગલે ચાંદી તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે, જેના કારણે ઔદ્યોગિક માંગ અને રોકાણકારોના સેન્ટિમેન્ટમાં ભારે ફેરફાર 
જોવા મળી રહ્યો છે.
બીજી તરફ સોનાએ પણ આજે પોતાની તમામ મર્યાદાઓ વટાવી દીધી છે. યલ્લો મેટલ તરીકે ઓળખાતું સોનું આજે ૧.૫૯ લાખ રૂપિયાની સપાટીને પાર કરી ગયું છે. લગ્નસરાની સિઝન અને વૈશ્વિક બજારોમાં ડોલરની વધઘટ વચ્ચે સોનાના ભાવમાં આવેલી આ સુનામીએ સામાન્ય ગ્રાહકોની ખરીદશક્તિ પર મોટી અસર કરી છે. બજારના જાણકારોના મતે આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ અને સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની 
જંગી ખરીદી આ ભાવવધારા પાછળના મુખ્ય કારણો છે.