અંબાજી મંદિર ખાતે બનેલી બે અલગ ઘટનાના કુલ ૧૧ શખ્સો વિરૂધ્ધ મંદિરનાં વહીવટદાર એ.કે. બારૈયાએ ફરીયાદ નોંધાવી
અંબાજી મંદિર ખાતે દારૂ ચીકનની મહેફીલ કરનાર મુખ્ય પુજારીનાં પુત્ર તેમજ બે સગીર સહીત ૬ સામે તેમજ દાન પેટીની આવક સાથે ચેડા કરનાર પાંચ સામે FIR
જૂનાગઢ તા. ૧૮
જૂનાગઢ નજીક પવિત્ર ગીરનાર પર્વત ખાતે આવેલા અંબાજી માતાજી મંદિરનાં ભંડાર પરીસર રૂમમાં દારૂ અને ચીકન પાર્ટી કર્યાનો પ્રથમ વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ મંદિરની દાન પેટીની આવક સાથે પણ ચેડા કરી અને ગેરરીતી આચરવામાં આવતી હોવાનાં વાયરલ થયેલ વિડીયાને પગલે ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. દરમ્યાન આ બંને ઘટનાની તટસ્થ તપાસ તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી હતી. જૂનાગઢ જીલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયાનાં માર્ગદર્શન હેઠળ તપાસનિશ અધિકારી તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલને જવાબદારી સોંપવામાં આવી હતી. અને પ્રાંત અધિકારી દ્વારા જીણવટભરી તપાસ હાથ ધરીને આખરે દુધનું દુધ અને પાણીનું પાણી કરી નાખ્યું હતું. અને તપાસનો અહેવાલ કલેકટરશ્રીને સુપ્રત કર્યા બાદ કલેકટરશ્રીનાં આદેશથી ઉપરોકત બંને ઘટનામાં સંડોવાયેલા કુલ ૧૧ વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આપેલી વિગત અનુસાર અંબાજી મંદિરનાં વહીવટદાર અને સીટી મામલતદાર અશ્વીનકુમાર કે. બારૈયા (ઉ.વ. ૩૯, ધંધો નોકરી, રહે. હાલ કલેકટર ઓફીસવાળા)એ જાતે ફરીયાદી બની અભિષેક કિશોરસિંહ ચૌહાણ ઉર્ફે બોય, જીગ્નેશ રવજીભાઈ ડાભી, છગન બચુભાઈ ડાભી, નિખીલ કિશોરભાઈ મેઘનાથી તેમજ અન્ય બે સગીર સહીત વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામના ફરીયાદીએ પેન ડ્રાઈવમાં રજુ કરેલા વિડીયોમાં આરોપી નં. ૧ થી ૬વાળાઓ કે જેમને મંદિરનાં ભંડારાનાં રસોઈ ઘરમાં પ્રવેશ કરવાનો અધિકાર ન હોવા છતાં ગુનાહીત અપ્રવેશ કરી તેમજ દારૂનું સેવન કરી છાંકટા બની બિભત્સ શબ્દો બોલી નોનવેજ બનાવી ખાઈ તેમજ મહેફીલ કરી હોવાની ફરીયાદ ગઈકાલે રાત્રીનાં ૯ કલાકે ભવનાથ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ બીએનએસ ક. ૩ર૯ (૩), ર૯૬ (બી), પ૪, પ્રોહી. ધારા ક, ૬૬ (૧) બી, ૮૧, ૮૩ સહીતની કલમો અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. જેની વધુ તપાસ ભવનાથ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ એચ.એસ. બલદાણીયા ચલાવી રહયા છે.
આ ઉપરાંત અંબાજી મંદિર ખાતે દાન પેટીની આવકમાં ચેડા કરનારા વિરૂધ્ધ પણ મંદિરનાં વહીવટદાર અશ્વીકુમાર કે. બારૈયાએ ગઈકાલે રાત્રીનાં ૯.૩૦ કલાકે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. જે અંગે મળતી વિગત અનુસાર ફરીયાદી અંબાજી મંદિરનાં વહીવટદાર અશ્વીનકુમાર બારૈયાએ ફરીયાદમાં દર્શાવેલ છે કે આ કામના આરોપી યોગેશગીરી નિલકંઠ, મંદિરનાં પ્રતિનિધિ, દુષ્યંતગીરી અપારનાથી, દેવગીરી, કુંદનગીરી અરજનગીરી અપારનાથી, ભરતનાથ રાજનાથ વગેરે પાંચ વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે તા. ર૯-૧-ર૬નાં રોજ વિડીયો વાયરલ થયેલ જે વિડીયોમાં આ કામના આરોપીઓ નં. ૧ તથા રનાઓ બંને અધિકૃત રીતે નીમાયેલ પુજારી નહીં હોવા છતાં પુજા કરતા હોય અને મંદિરનાં ગર્ભગૃહમાં દર્શનાર્થીઓને અનધિકૃત પ્રવેશ કરાવી તેમની પાસેથી રોકડ રકમ સ્વીકાર કરી બંને આરોપીઓએ મદદગારી કરી તેમજ આરોપી નં. ર તથા ૩નાઓ મંદિરની દાન પેટીની અંદર પૈસા નાખવાના છીદ્રમાં કપડુ મુકી દાન પેટીમાં જતા રૂપિયા અટકાવી દાન પેટીની આવક સાથે ચેડા કરી તેમજ આરોપી નં. ૪નાઓ મંદિરની દાન પેટી ઉપર રૂમાલ મુકી મહિલા દર્શનાર્થીઓને હાથ વડે ઈસારો કરી મહિલા દ્વારા આપવામાં આવતા પૈસા લઈ પોતાના ખીસ્સામાં મુકી દાન પેટીની આવક સાથે ચેડા કરી તેમજ આરોપી નં. પનામઓ આરોપી નં. ૪નાઓ સાથે મેળાવીપણુ કરી મંદિરનાં વહીવટકર્તા સાથે ગુનાહીત વિશ્વાસઘાત કરી છેતરપીંડી કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતાં પોલીસે આ કામના આરોપીઓ વિરૂધ્ધ કલમ બીએનએસ ૩૧૬ (ર) (૪), ૩૧૮ (૩), ૩ર૯ (ર), પ૪ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ ભવનાથ પોલીસ સ્ટેશનનાં પીઆઈ આર.એસ. ડામોર ચલાવી રહયા છે.


