આજે બપોરે રાહુલ ગાંધી જૂનાગઢ આવશે : પ્રેરણાધામ ખાતે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે
છેલ્લા સાત મહિનામાં રાહુલ ગાંધી પાંચ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા : કોંગ્રેસમાં નવો પ્રાણ ફુંકવા કવાયત
(ડેસ્ક) જુનાગઢ, તા. ૧૨:
સંસદના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા આજે જુનાગઢ આવી રહ્યા છે. તેઓ ભવનાથમાં પ્રેરણા ધામ ખાતે આયોજિત શિબિરમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને નેતૃત્વ અને સંગઠન અંગે માર્ગદર્શન આપશે.
ગુજરાતમાં કોંગ્રેસના સંગઠન સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ થયા બાદ ભવનાથ ખાતે તમામ જિલ્લા અને શહેર પ્રમુખોની ૧૦ દિવસીય પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવી છે. ગત તા.૧૦ સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ
શિબિરનો પ્રારંભ કરાવ્યો
હતો અને આજે રાહુલ ગાંધી શિબિરમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી બપોરે ૨ વાગ્યે કેશોદ એરપોર્ટ આવી પહોંચશે. ત્યાંથી તેઓ સીધા જુનાગઢ આવશે શહેરમાં કાળવા ચોક ખાતે રાહુલ ગાંધીના ભવ્ય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી પક્ષને વધુ મજબૂત કેવી રીતે કરી શકાય, વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં લોકોના પ્રાણ પ્રશ્નો ઉજાગર કેવી રીતે
ઉકેલી શકાય તે માટે માર્ગદર્શન આપશે. શિબિરમાં ભાગ લઈ રાહુલ ગાંધી સાંજે પોરબંદર થી દિલ્હી જવા રવાના થશે.


