ઈમિગ્રન્ટસને ન અટકાવાયા તો અમેરીકા પણ પછાત અને ગરીબ દેશ બની જશે : ટ્રમ્પ

ઈમિગ્રન્ટસને ન અટકાવાયા તો અમેરીકા પણ પછાત અને ગરીબ દેશ બની જશે : ટ્રમ્પ

(એજન્સી)      વોશીંગ્ટન તા.17:
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે જો થર્ડ વલ્ર્ડ કન્ટ્રીઝમાંથી લોકો અમેરિકા આવતા રહ્યા તો અમેરિકા પણ જલ્દી થર્ડ વલ્ર્ડ કન્ટ્રી એટલે કે એક ગરીબ અને પછાત દેશ બની જશે અને કોઈ કશુંય નહીં કરી શકે. ટ્રમ્પે આ પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર મૂકી હતી જેના પર હજારો રિએક્શન્સ આવ્યા છે. ડોનલ્ડ ટ્રમ્પ કેનેડા અને યુરોપના અમુક દેશોને છોડીને દુનિયાના તમામ દેશોને થર્ડ વલ્ર્ડ કંટ્રી જ માને છે અને તેનો તેઓ અનેકવાર સીધી અથવા આડકતરી રીતે ઉલ્લેખ કરી ચૂક્યા છે અને ઈન્ડિયા પણ તેમાંથી બાકાત નથી. હજુ મહિના પહેલા જ ટ્રમ્પે એક પોડકાસ્ટની ટ્રાન્સ્કિ્રપ્ટને ટ્રુથ સોશિયલ પર શેર કરી હતી જેમાં તેમણે ભારતને હેલહોલ કન્ટ્રી એટલે કે નરકના દ્વાર સમાન દેશ ગણાવાયો હતો. ટ્રમ્પની આ પોસ્ટ પર ભારતે વિરોધ વ્યક્ત કર્યો હતો પરંતુ તે પોસ્ટ ટ્રમ્પે ડિલીટ નહોતી કરી કે ના તો તેના પર કોઈ ખુલાસો આપ્યો હતો.
ટ્રમ્પની લેટેસ્ટ પોસ્ટ ખૂલ્લેઆમ ઈમિગ્રેશન વિરોધી છે અને તેમની સરકાર સત્તા પર આવી છે ત્યારથી જ એન્ટી ઈમિગ્રન્ટ એજન્ડા ચલાવી રહી છે. અમેરિકામાં હાલ ઈન્ડિયન્સને ખાસ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.