કેન્દ્રિય કેબીનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ : ધરખમ ફેરફારો થશે

નાણાં, શિક્ષણ અને ઉર્જા મંત્રાલયમાં નેતૃત્વ પરિવર્તન : 16 થી 18 મંત્રીઓની બદલી અથવા પડતા મુકાય તેવી શકયતા

કેન્દ્રિય કેબીનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ : ધરખમ ફેરફારો થશે

(એજન્સી)   નવી દિલ્હી, તા. 26 
કેન્દ્ર સરકારમાં ટૂંક સમયમાં જ એક બહુ મોટો રાજકીય ફેરબદલ જોવા મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ટૂંક સમયમાં જ કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ અને પ્રક્ષાલન કરે તેવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ આગામી ફેરબદલમાં 16થી 18 જેટલા મંત્રીઓએ કાં તો પોતાના હોદ્દા ગુમાવવા પડશે અથવા તો તેઓને નવા પોર્ટફોલિયો (મંત્રાલય)માં ખસેડવામાં આવશે. આ સંભવિત કેબિનેટ વિસ્તરણને પગલે અત્યારથી જ રાષ્ટ્રપતિ ભવન પર સૌની નજર મંડાઈ છે.
આ મોટા ફેરબદલમાં કેન્દ્રીય કેબિનેટના ઓછામાં ઓછા ૫થી 7 અગ્રણી અને જાણીતા મંત્રી પડતા મૂકવામાં આવે તેવી આશંકા સેવાઈ રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે દેશના ત્રણ મુખ્ય મંત્રાલયો - નાણાં, શિક્ષણ અને ઉર્જા મંત્રાલયમાં સંપૂર્ણ નેતૃત્વ પરિવર્તન જોવા મળી શકે છે. ચર્ચા મુજબ, વર્તમાન નાણાં મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારામનને એચઆરડી (માનવ સંસાધન વિકાસ/શિક્ષણ) મંત્રાલયની જવાબદારી સોંપાઈ શકે છે, જ્યારે તેમની જગ્યાએ અશ્વિની વૈષ્ણવ અથવા શક્તિકાંત દાસને દેશના નવા નાણાં મંત્રી બનાવવામાં આવી શકે છે. આ સિવાય, ધર્મેન્દ્ર પ્રધાનને મંત્રીમંડળમાંથી સંગઠનમાં મોકલવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે હરદીપ પુરીની કેબિનેટમાંથી રજા થઈ શકે છે. પાવર મિનિસ્ટ્રી (ઉર્જા મંત્રાલય) માંથી એમ એલ ખટ્ટરની પણ બદલી થવાના સંકેત છે.