ગુજરાતના 4 જિલ્લાનું તાપમાન 40°Cને પાર : રાજકોટ 41.9 ડિગ્રી સાથે સૌથી ગરમ

બે દિવસ સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી, બે દિવસ બાદ ગરમી ઘટશે

ગુજરાતના 4 જિલ્લાનું તાપમાન 40°Cને પાર : રાજકોટ 41.9 ડિગ્રી સાથે સૌથી ગરમ

(એજન્સી)    રાજકોટ તા.17
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી 19 અને 20 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. જોકે, હાલમાં મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 40°Cને પાર પહોંચી ગયો છે. આગામી બે દિવસમાં તાપમાન 40 થી 42°C આસપાસ રહી શકે છે.
રાજ્યના 4 શહેરમાં ગુરૂવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયુ છે. રાજકોટ 41.9 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ રહ્યું છે. તો સુરેન્દ્રનગર 41°C સાથે બીજા ક્રમે રહ્યું છે. તો અમદાવાદમાં 40.4°C અને અમરેલીમાં 40.3°C મહત્તમ તાપમાન નોંધાયું છે. આગામી બે દિવસમાં તાપમાનનો પારો હજુ બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે.