ગાંધીનગર પોલીસ ભવનમાં ‘We Salute Our Mentors’ સમારોહ, ગુજરાત પોલીસના 30થી વધુ નિવૃત્ત ઉચ્ચ અધિકારીઓનું સન્માન

રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે કારકિર્દીમાં મેન્ટર્સ પાસેથી મળેલા માર્ગદર્શનને યાદ કર્યું; DGP-ADGP રેન્કના નિવૃત્ત અધિકારીઓને પુસ્તક અર્પણ કરી સન્માનિત કરાયા

ગાંધીનગર પોલીસ ભવનમાં ‘We Salute Our Mentors’ સમારોહ, ગુજરાત પોલીસના 30થી વધુ નિવૃત્ત ઉચ્ચ અધિકારીઓનું સન્માન

ગાંધીનગર તા.24
ગુજરાત પોલીસના સુવર્ણ ઇતિહાસના ઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીઓના સન્માન માટે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે ‘We Salute Our Mentors’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસમાં વર્ષો સુધી સેવા આપી નવી પેઢીના અધિકારીઓ માટે માર્ગદર્શક બનેલા DGP અને ADGP રેન્કના 30થી વધુ નિવૃત્ત અધિકારીઓને એક મંચ પર એકત્રિત કરીને પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજ્યના પૂર્વ પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બે વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી આ પહેલ અંતર્ગત ગુજરાત પોલીસની કામગીરી, શિસ્ત અને કાર્યપદ્ધતિના ઘડતરમાં યોગદાન આપનારા વરિષ્ઠ અધિકારીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નિવૃત્ત અધિકારીઓ ઉપરાંત તેમના પરિવારજનો અને હાલમાં ફરજ બજાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સંબોધતા રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું હતું કે કોઈપણ પોલીસ અધિકારીની કારકિર્દીમાં પ્રોબેશન અને તાલીમનો સમયગાળો પાયારૂપ હોય છે. કારકિર્દીની શરૂઆતમાં વરિષ્ઠ અધિકારીઓ અને મેન્ટર્સ પાસેથી મળતી શીખ, શિસ્ત અને વ્યવહારુ અનુભવ જ આગળની જવાબદારીઓ નિભાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પોતાના પ્રોબેશન સમયગાળાના અનુભવો યાદ કરતાં મલિકે સાબરકાંઠાના હિંમતનગર ખાતે વરિષ્ઠ અધિકારી આર.પી. પ્રિયદર્શી અને પી.બી. ગોંડિયા પાસેથી મળેલા માર્ગદર્શનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ફિલ્ડ તાલીમ દરમિયાન નિયમિત રીતે અંગ્રેજીમાં વીકલી ડાયરી લખવી, રાત્રિના રાઉન્ડ કરવા, ગેરહાજર કર્મચારીઓના જાતે નિવેદન લેવા અને લોકોની ફરિયાદો પ્રત્યે સંવેદનશીલ અભિગમ રાખવા જેવી કાર્યપદ્ધતિઓ મેન્ટર્સ પાસેથી શીખવા મળી હતી.
તેમણે જૂનાગઢ ખાતેના પોતાના અનુભવોને પણ યાદ કર્યા હતા. ટ્યુનિક યુનિફોર્મ અને તત્કાલીન IG ગુરદયાલ સિંહની ઇન્સ્પેક્શન પરેડના અનુભવથી શિસ્ત અને લાઇન તપાસનું મહત્વ સમજાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. પ્રાંતિજ ખાતે ASP તરીકે ફરજ દરમિયાન પોલીસ સ્ટેશનનું સંચાલન અને પંચાયત ચૂંટણીના વ્યવસ્થાપનની મહત્વપૂર્ણ તાલીમ મળી હતી. બાદમાં પોરબંદરમાં પ્રિયદર્શીના ઇન્સ્પેક્શન દરમિયાન ક્ષતિરહિત પરેડ બદલ પ્રશંસા મળ્યાની યાદ પણ તેમણે તાજી કરી હતી.
જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત કાર્યક્રમમાં ઉપસ્થિત નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કારકિર્દીની શરૂઆતમાં મેન્ટર્સ પાસેથી મળેલું વ્યવહારુ જ્ઞાન, શિસ્ત અને કાર્યપદ્ધતિ આજે પણ તેમના માટે માર્ગદર્શક છે. ગુજરાત પોલીસ પોતાના વરિષ્ઠ અધિકારીઓના અનુભવ અને માર્ગદર્શનના વારસાને મહત્વ આપે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોલીસ અધિકારીઓની ફરજની સાથે તેમના પરિવારજનોના યોગદાનનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોલીસના સર્વિસ રેકોર્ડમાં પોસ્ટિંગ અને પ્રમોશનની વિગતો નોંધાય છે, પરંતુ મોડી રાત સુધીની ફરજ, તહેવારો દરમિયાન બંદોબસ્ત, પારિવારિક અને સામાજિક પ્રસંગો છોડવા પડતા હોવા સહિતના ત્યાગની નોંધ સર્વિસ રેકોર્ડમાં થતી નથી.
તેમણે પોલીસ અધિકારીઓની સતત બદલીઓ અને પડકારજનક ફરજો વચ્ચે તેમના પરિવારજનો દ્વારા આપવામાં આવતા સહયોગની પ્રશંસા કરી હતી. પોલીસ વ્યવસ્થા માત્ર કાયદા અને પ્રક્રિયાઓથી જ નહીં, પરંતુ વરિષ્ઠ અધિકારીઓના અનુભવ, પરંપરા અને શિસ્તથી પણ આગળ વધતી હોવાનું તેમણે જણાવ્યું હતું. કાયદો-વ્યવસ્થા, કટોકટી અને વિવિધ બંદોબસ્ત દરમિયાન વરિષ્ઠ અધિકારીઓ પાસેથી મળેલા અનુભવો નવી પેઢીના અધિકારીઓ સુધી પહોંચતા રહે તે પણ મહત્વપૂર્ણ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
સમારોહમાં નિવૃત્ત DGP પી.સી. પાંડે, એસ.એસ. ખંડવાવાલા, સતિષ શર્મા અને મીરા રામનિવાસ તેમજ નિવૃત્ત ADGP આર.પી. પ્રિયદર્શી, વિજયસિંહ ગુમાન અને જે.એસ. બિન્દ્રા સહિતના અધિકારીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને વરિષ્ઠ નિવૃત્ત પોલીસ અધિકારીઓને એક મંચ પર સન્માનિત કરવાની પહેલની પ્રશંસા કરી હતી.
કાર્યક્રમમાં પી.સી. પાંડે, એસ.એસ. ખંડવાવાલા, પ્રમોદ કુમાર, આશિષ ભાટિયા, શિવાનંદ ઝા અને વિકાસ સહાય સહિત અનેક નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપરાંત ગુજરાત પોલીસના હાલમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ‘We Salute Our Mentors’ કાર્યક્રમ દ્વારા ગુજરાત પોલીસની અગાઉની પેઢીના અનુભવ અને યોગદાનને યાદ કરવાની સાથે નવી પેઢી સુધી તેમના માર્ગદર્શન અને શિસ્તના વારસાને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.