ITI જૂનાગઢ ખાતે ‘સુરક્ષા સંવાદ’, યુવાનોને માર્ગ સલામતી અને જવાબદાર વાહનચાલનના પાઠ
‘સેવા સંકલ્પ અભિયાન : સેવા મેરા યોગદાન’ અંતર્ગત BISAGના માધ્યમથી કાર્યક્રમનું જીવંત પ્રસારણ; હેલ્મેટ-સીટબેલ્ટનો ઉપયોગ, ટ્રાફિક નિયમો અને વાહન ચલાવતી વખતે જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન
જૂનાગઢ,તા. ૨૪
‘સેવા સંકલ્પ અભિયાન : સેવા મેરા યોગદાન’ અંતર્ગત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), જૂનાગઢ ખાતે માર્ગ સલામતી અંગે ‘સુરક્ષા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાવર્ગમાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ વધે અને માર્ગ અકસ્માતોનું જોખમ ઘટાડવા માટે જવાબદાર વાહનચાલન અંગે સમજ વિકસે તે હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં ITIના તાલીમાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષને કેન્દ્રમાં રાખીને સપ્ટેમ્બરથી ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા યુવાનોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવાના હેતુથી ITI જૂનાગઢ ખાતે આચાર્ય ભગીરથસિંહ જાળીયા અને આચાર્ય પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ ‘સુરક્ષા સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો.
ITI જૂનાગઢ ખાતે BISAGના માધ્યમથી ‘સુરક્ષા સંવાદ’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓએ કાર્યક્રમ નિહાળી માર્ગ સલામતી સાથે સંકળાયેલા વિવિધ પાસાઓ અંગે માહિતી મેળવી હતી.
કાર્યક્રમ દરમિયાન માર્ગ પર વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન, વાહનની ગતિ નિયંત્રિત રાખવી, હેલ્મેટ અને સીટબેલ્ટનો નિયમિત ઉપયોગ તેમજ વાહનચાલન દરમિયાન જરૂરી સાવચેતી રાખવા જેવા મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા અગાઉ પણ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં હેલ્મેટ, સીટબેલ્ટ, ઓવર-સ્પીડિંગના જોખમો અને જવાબદાર માર્ગ વર્તન જેવા મુદ્દાઓ અંગે જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.
ખાસ કરીને યુવાનોમાં વાહન ચલાવતી વખતે સલામતીને પ્રાથમિકતા આપવાની સાથે પોતાની અને માર્ગ પરના અન્ય લોકોની સુરક્ષા પ્રત્યે જવાબદારી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. માર્ગ અકસ્માતો અટકાવવા માટે માત્ર નિયમોની જાણકારી પૂરતી નહીં પરંતુ રોજિંદા વાહનચાલનમાં તેનું જવાબદારીપૂર્વક પાલન કરવું પણ જરૂરી હોવાનો સંદેશ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો.
‘સુરક્ષા સંવાદ’નો મુખ્ય ઉદ્દેશ ITIના તાલીમાર્થીઓમાં ‘સુરક્ષિત વાહનચાલન–સુરક્ષિત જીવન’ની ભાવના મજબૂત કરવાનો તેમજ યુવાનોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓએ સહભાગી બની માર્ગ સલામતી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.


