ગીરગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે મકાનમાંથી રૂા. 2.2 લાખની મતાની ચોરી

ગીરગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે મકાનમાંથી રૂા. 2.2 લાખની મતાની ચોરી

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.6
ગીર ગઢડા તાલુકાના ગામડાઓ અસલામત થઈ ગયા છે. ચોરીના બનાવો વધ્યા છે. જેમ ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે રહેતા બાલુભાઈ ભીમજી ભાઈ નાડોલા( ઉ.વ.53) જુના ઉગલા ગામની નાડોલા વડલા શેરીમાં મકાન બાંધી પરિવાર સાથે રહે છે. ગત તા.11-6-26ના બપોર બાદ તેમની દીકરી અને તેની દીકરી વેકેશનમાં રોકાવા આવેલ હતા અને વેકેશન પૂરૂ થઈ જતા રાજકોટ તેમને મૂકવા બાલુભાઈ તેમની પત્ની અને પરિવાર રાજકોટ મકાનને તાળા મારી ગયા હતા. દીકરીને સાસરે મૂકી રાજકોટ તેમનો દીકરો સચિન રહેતો હોય તેના ઘરે રોકાયા હતા અને ગત તા.2-7-26ના રાજકોટથી જુના ઉગલા ગામે રાત્રે પરત આવતા મકાનનો દરવાજો અંદરથી બંધ હોય ખુલતો ના હોય પત્ની લાકડાની બારી ખોલી ઘરમાં પ્રવેશ કરતા દરવાજા આગળ સમાન વેર વિખેર હતો અને મકાનની ઉપર કોઈ અજાણ્યા તસ્કરો નળિયા ખેસવી રૂમમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ લોખંડના કબાટનો લોક તોડી કબાટની તિજોરી ખોલી તેમાં રાખેલ રોકડા રૂપિયા અને સિક્કા મળી કુલ રૂપિયા 64690 કબાટમાં રાખેલ સોના અને ચાંદીના દાગીના જેવા કે ચાંદીના છડા ત્રણ જોડી, ઝાંઝરા બે જોડી, ચાંદીનો પોચો, ચાંદીનો કમરમાં પહેરવાનો જુડો, કંદોરો, સોનાની વીટી બે નંગ, સોનાની કડલી એક જોડ, સોનાની કાનની બૂટી એક જોડ, સોનાની કાનમાં પહેરવાની સર એક કિંમત 1 લાખ 56 હજાર 470 મળી કુલ રૂપિયા 2,21,160ની ચોરી કરી તસ્કરો નાસી ગયાની ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ગુનો નોંધી વધુ તપાસ ગીર ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કુલદીપસિંહ અજીતસિંહ ચાવડા અને સ્ટાફ કરી રહ્યો છે. ગીર-સોમનાથથી એફએસએલ ટીમ, ફિંગરપ્રિન્ટ નિષ્ણાત ટીમ અને ડોગ સ્ક્વોડને બોલાવી તસ્કરોને પકડવા તજવીજ શરૂ કરી છે. ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામે એક વરસ પહેલા બંધ મકાન માં રોકડા રૂપિયા અને સોના-ચાંદીના દાગીનાની 10 લાખ રૂપિયા ચોરીનો ભેદ આજસુધી ઉકેલાયો નથી ત્યાં જૂના ઉગલા ગામે ચોરીનો બનાવ બન્યો છે.