ચાંદીમાં રાત્રે રૂા.રપ હજારની તેજી સવારે રૂા.૧૮ હજારનો કડાકો : અભૂતપૂર્વ ઉથલપાથલ
રાજકોટ, તા.૩૧
સોના-ચાંદીમાં તેજી-મંદીનું અભૂતપૂર્વ તોફાન સર્જાયું છે. રાત્રે ચાંદીમાં ૨૫૦૦૦નો જોરદાર ઉછાળો નોંધાયા બાદ આજે સવારે તેમાં ૧૮૦૦૦નો કડાકો સર્જાયો હતો. સતત ત્રણ દિવસથી તોફાની મુવમેન્ટને કારણે કારોબાર ઠપ્પ થઇ ગયો છે. કેલેન્ડર વર્ષના આજના અંતિમ દિવસે સોના-ચાંદીમાં તેજી-મંદીનો અસામાન્ય ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. ખાસ કરીને ચાંદીમાં સટ્ટાખોરી આધારિત મુવમેન્ટ હોવાની છાપ ઉપસવા લાગી હતી. ગઇરાત્રે વિશ્વબજારમાં ચાંદીના ભાવ ફરી સળગ્યા હતા અને ૮૦ ડોલરની નજીક ધસી જવા લાગ્યા હતા. લોકલ કોમોડીટી એક્સચેંજમાં ચાંદી વાયદાનો ભાવ ૨.૫૦ લાખને વટાવી ગયો હતો. દિવસ દરમ્યાન ૨૫૦૦૦થી વધુનો ઉછાળો સુચવતો હતો.
પરંતુ આજે સવારે ઉઘડતામાં માર્કેટ ફરી કડડભૂસ થઇ ગયું હતું. વિશ્વબજારમાં ચાંદીનો ભાવ પાંચ ડોલરના ઘટાડાથી ૭૨.૦૨ ડોલર થઇ ગયો હતો. જ્યારે કોમોડીટી એક્સચેંજમાં ૨.૩૨ લાખ પર ધસી પડ્યો હતો. સોનાનો ભાવ પણ ઘટીને ૧.૩૬ લાખ પર આવી ગયો હતો. વિશ્વબજારમાં ૪૩૪૦ ડોલર હતું. રાજકોટમાં હાજર સોનુ આજે સવારે ૧૩૮૧૫૦ હતું. જ્યારે ચાંદી ૨.૪૦ લાખ હતી. વેપારીઓના કહેવા પ્રમાણે ઉથલ પાથલનું કારણ ચીનની નિકાસબંધી ઉપરાંત વૈશ્વિક સંકેતોને કારણે હોઇ શકે છે. વર્ષાંતે નફારૂપી વેચવાલીનું પણ એક કારણ છે.


