જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાં આધેડનો આપઘાત
જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાં આજે એક આધેડે પડતું મૂકીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. મૃતક આધેડની ઓળખ જૂનાગઢના દૂબળી વિસ્તારના રહેવાસી તરીકે થઈ છે, જેમની ઉંમર આશરે 57 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા જ જૂનાગઢ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ભારે જહેમત બાદ આધેડના મૃતદેહને ડેમમાં ઊંડા પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી કરી હતી. આધેડે કયા કારણોસર ડેમમાં ઝંપલાવીને આત્યંતિક પગલું ભર્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.


