જૂનાગઢમાં ભગવાન શ્રીરામના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી

સવારથી જ ભક્તિભર્યા માહોલ વચ્ચે રામનવમી મહોત્સવ ઉજવાયો : ઠેર-ઠેર શોભાયાત્રા અને જયશ્રી રામના નારા વચ્ચે અયોધ્યા જેવો માહોલ સર્જાયો

જૂનાગઢમાં ભગવાન શ્રીરામના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી

જૂનાગઢ તા.ર૭
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ ચંદ્રજીના પ્રાગટય મહોત્સવની ગઈકાલે જૂનાગઢ શહેરમાં ભારે ઉત્સાહેભર અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રા સહિતના કાર્યક્રમ યોજાયા હતા અને સમગ્ર શહેર જાણે અયોધ્યામય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. જય-જય શ્રી રામના નારા ગુંજી ઉઠયા હતા. રામનવમી મહોત્સવની ગઈકાલે ઉજવણી કરવામાં આવી હતી. ઉપરકોટ ખાતે આવેલા પૌરાણીક રામજી મંદિરે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં પૂજનવિધી કરવામાં આવી હતી અને બપોરે ૧ર કલાકે મહાઆરતીનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જયારે હરીઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત શોભાયાત્રાનું બપોરના ૪ કલાકે પ્રસ્થાન થયું હતું જેમાં ભાવિકો મોટી સંખ્યામાં જાેડાયા હતા. શહેરના વિવિધ માર્ગો પર આ શોભાયાત્રા ફરી હતી અને ઠેર-ઠેર શોભાયાત્રાનું ૪૦ જેટલા સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ-શરણાઈના સુર સાથે રામ-રાવણના જીવંત યુધ્ધના દર્શન કરાવતી થીમ રાખવામાં આવી હતી જેમાં ૩૩ થી વધુ ફલોટ્સ ઉભા કરવામાં આવ્યા હતા. શોભાયાત્રાના રૂટ ઉપર ભગવાનના દશાવતારના અલગ-અલગ સ્વરૂપની જાંખી કરાવતી પ્રતિમાઓ મુકવામાં આવી હતી. મોડી રાત્રી સુધી ભગવાન રામચંદ્રજીના પ્રાગટય મહોત્સવને ઉજવવામાં આવ્યો હતો. 

ઝાંઝરડા ગામેથી નીકળી વિશાળ શોભાયાત્રા

જૂનાગઢ નજીક આવેલા ઝાંઝરડા ગામથી  રામજી મંદિરેથી સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા એક શોભાયાત્રા નીકળી હતી અને આ શોભાયાત્રા ઝાંઝરડા રોડ ઉપર પ્રવેશી હતી. સમગ્ર ઝાંઝરડા રોડનો રૂટ ભગવા રંગે રંગાયો હતો. ઠેર-ઠેર શણગાર હાથી-ઘોડા તેમજ હનુમાનજીની વિશાળ પ્રતિમા મુકવામાં આવી હતી અને ભાવિકોનો માનવ મહેરામણ ઉમટી પડયો હતો.

જાેષીપરા વિસ્તારમાં શોભાયાત્રામાં ભાવિકો જાેડાયા

શહેરમાં મુખ્ય રામજી મંદિરેથી નીકળેલી શોભાયાત્રા તેમજ ઝાંઝરડા ગામથી નીકળેલી શોભાયાત્રા સાથે શહેરના જાેષીપરા વિસ્તારના હિન્દુ એકતા સમિતિ દ્વારા સરદારપરા સુર્યમંદિરેથી શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં પણ ભાવિકો મોટી સંખ્યામાં જાેડાયા હતા.

રાતના ૧ર કલાકે રપ૦૦ દિવડાઓની મહાઆરતી યોજાઈ

જૂનાગઢમાં પુનીત શોપીંગ સેન્ટર ખાતે હરીઓમ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો તેમજ એમજી રોડ સહિતના વેપારીઓ દ્વારા રપ૦૦ દિવડાઓની મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં જય શ્રી રામનો શબ્દ આરતીને કંડારવામાં આવ્યો હતો.
જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં રામનવમીના પર્વને ઉત્સાહભેર મનાવવામાં આવ્યુ હતુ અને શ્રધ્ધાળુઓના દિલમાં બિરાજતા આરાધ્યદેવ ભગવાનશ્રીરામની મહાઆરતી, વિશેષ પૂજા સહિતના અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા.