જૂનાગઢમાં મેડિકલ કોલેજના મહિલા રેસિડેન્ટ ડો.સોનાલી ઓડેદરાનું ડેન્ગ્યુથી મૃત્યુ
જૂનાગઢ તા.૨૭
જૂનાગઢની મેડિકલ કોલેજમાં રેસીડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો.સોનાલી ઓડેદરાનું ડેન્ગ્યુના લીધે મૃત્યુ થયું છે. તેઓ તેમના પતિ અને ત્રણ વર્ષની બાળકી સાથે જૂનાગઢમાં જ રહેતા હતા. તેમના પતિ પણ ઓર્થોપેડિક સર્જન છે.
ડો.સોનાલી ઓડેદરાને શનિવારે ડેન્ગ્યુ થયો હતો. એટલે તેમણે રજા માંગી હતી. ત્યારે તેમને બે દિવસની એટલે કે સોમવાર અને મંગળવાર ની રજા આપવામાં આવી હતી. ડેન્ગ્યુ જે સ્ટેજ પર હતો તે સ્ટેજમાં ઓછામાં ઓછું સાત દિવસ ઓબ્ઝર્વેશનમાં રહેવું પડે છે.
પરંતુ તેમને માત્ર બે દિવસની રજા જ મંજુર કરાઈ હતી. બે દિવસ આરામ કર્યા બાદ ડો. સોનાલી ઓડેદરા મેડિકલ કોલેજમાં હાજર થઈ ગયા હતા. બુધવારે આખો દિવસ તેમણે ડ્યુટી કરી હતી. જ્યારે રાત્રિના તેઓ ઘરે ગયા ત્યારે તેમની તબિયત અચાનક જ બગડી ગઈ હતી. તેમના પતિ દ્વારા તેમને સૌપ્રથમ કલ્પ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને કે.જે. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પરંતુ આ બંને હોસ્પિટલમાં કરેલી સારવાર કારગત સાબિત ન થઈ હતી. છેલ્લે એવો ર્નિણય લેવામાં આવ્યો હતો કે તેમને રાજકોટ લઈ જવામાં આવે પરિવાર દ્વારા તેમને એમ્બ્યુલન્સમાં રાજકોટ લઈ જવામાં આવ્યા હતા પરંતુ જેતપુર પહોંચે તે પહેલા જ તેમની તબિયત ખૂબ જ બગડતા ફરી તેમને જૂનાગઢમાં જ સારવાર આપવામાં આવી હતી. સિવિલમાં જ તેમનું મૃત્યુ થયું હતું. રેસિડેન્ટ ડોક્ટર સોનાલી ઓડેદરા એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં હતા. ડેન્ગ્યુના લીધે તેમણે ડિપાર્ટમેન્ટના હેડ પાસેથી રજા માંગી હતી. તેથી તેમને બે દિવસની રજા આપવામાં આવી હતી. દરમ્યાન તેઓ ફરજ પુરી કરી ઘરે ગયા હતા. તબિયત અચાનક બગડતા રાત્રે ૧૧ વાગ્યે તેમને તેમના તબીબ પતિ કે. જે. હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. જ્યારે તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ખેંચ પણ આવી ગઈ હતી. સારવાર કર્યા બાદ વધુ એસડીપી માટે રાજકોટ લઈ જવાનો ફેંસલો તેમના પરિવારજનો એ લીધો હતો. પરંતુ જેતપુર સુધી પહોંચ્યા બાદ પરિસ્થિતિ વધારે ખરાબ થતા તેમને જૂનાગઢમાં જ સારવાર લેવાનો ર્નિણય લીધો હતો. વધુમાં મળતી વિગત અનુસાર સોમ અને મંગળ રજા માં રહ્યા બાદ પણ ડો. સોનાલી ઓડેદરાને સારું લાગતું ન હોવાથી સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુને લગતા રિપોર્ટ કરાવ્યા હતા. આ રિપોર્ટમાં પ્લેટ કાઉન્ટ ખૂબ જ નોર્મલ આવતા તેમને હાશકારો થયો હતો. સવારે ૧૦:૧૬ વાગે આ રિપોર્ટ થયો હતો અને સાંજે ૮:૦૦ વાગ્યા પછી તેમની તબિયત લથડી હતી અને તેમનું મૃત્યુ થયું હતું.


