ગરવા ગિરનારની ૪૧મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા તા.૩ જાન્યુઆરીએ યોજાશે
જીલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ સ્પર્ધાના સુચારૂ આયોજન માટે પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી
જૂનાગઢ, તા.૨૭
ગરવા ગિરનારની ૪૧મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન આગામી તા. ૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ કરવામાં આવનાર છે. સ્પર્ધાના સુચારુ અને સલામત આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી ખાતે પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા કલેકટરે રાજ્યભરમાંથી સ્પર્ધામાં ભાગ લેવા આવનાર સ્પર્ધકો માટે રહેવા-જમવાની સુવિધા સહિતની વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરી હતી. ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા પડકારજનક અને જાેખમી હોવાથી સ્પર્ધકોની સુરક્ષા અને આરોગ્યને ધ્યાને રાખીને સમગ્ર સ્પર્ધા દરમિયાન પૂરતી મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ તૈનાત રાખવા તેમજ જરૂરિયાતના સમયે તાત્કાલિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત ગિરનારની સીડીના જરૂરી રીપેરીંગ, સાફ-સફાઈ તેમજ અવિરત વીજ પુરવઠો સહિતની સુવિધાઓ સમયસર સુનિશ્ચિત કરવા કલેકટરે સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા.૭ ફેબ્રુઆરીના રોજ યોજાનારી ૧૯મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ સ્પર્ધાના આયોજન અંગે પણ બેઠકમાં જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાએ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓ અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી. બેઠકમાં કમિશ્નર આઈ.આર. વાળા, નિવાસી અધિક કલેકટર બી.એસ. બારડ, પ્રાંત અધિકારી વૃશાલી કાંબલે સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


