જૂનાગઢમાં રસ્તા બનાવવા, અને તોડવાનું મસમોટુ અવિરત કૌભાંડ !
રસ્તો બનાવી નાંખ્યા બાદ ફરી પાછો તોડવા પાછળ મોટી ગેરરીતી અને ભ્રષ્ટાચારની વ્યાપક ફરીયાદ : કેટલાક પદાધિકારીઓ ‘કટકી’ કરતા હોવાની રાવ
જૂનાગઢ તા.12
જૂનાગઢ શહેરમાં ઘણા લાંબા સમય થયા રસ્તા બનાવવા અને રસ્તા તોડવાનું અભિયાન સતત ચાલી રહયું છે. એક રસ્તો નવો બનાવી નાંખ્યો હોય અને થોડા દિવસ બાદ ફરી પાછો આ રસ્તો કોઈપણ બહાના હેઠળ તોડી નાખવામાં આવે છે. અને આ રસ્તો તોડાયા બાદ પાછો તેને નવેસરથી બનાવવામાં આવે છે આમ શા માટે કરવામાં આવે છે ? તેવા સવાલોની વચ્ચે અત્યંત આધારભુત સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર જૂનાગઢનાં આ રસ્તા તોડવા પાછળ એક ચોકકસ મોટુ કૌભાંડ આચરવામાં આવી રહયું છે. જે તે એજન્સીઓ સાથે મિલીભગત કરી અને 10-20 ટકા કેટલાક પદાધીકારીની ટકાવારી રાખવામાં આવે છે. અને આ રીતે નાણાં ઉશડવાનું ભારે મોટી ગેરરીતી થતી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. પ્રજાનાં પૈસાનો બેફામ દુરઉપયોગ થઈ રહયો છે ત્યારે કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલા રસ્તાનાં કામો અને તેનાં ખોદકામ અંગેની ઉચ્ચકક્ષાની તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદારો સામે પગલા ભરવાની માંગણી ઉઠવા પામી છે.
જૂનાગઢ શહેરની પાંચ લાખની જનતા છેલ્લા કેટલાય સમય થયા રસ્તા, ગટર, પાણીની પાઈપ લાઈન સહીતની પ્રાથમિક સુવિધાથી પીડાઈ રહી છે. જૂનાગઢ શહેરને સુવિધાજનક બનાવવામાં આવે તેવી અપેક્ષા સાથે ભાજપનાં ઉમેદવારોને બહુમતીથી ચુંટી કાઢી અને ફરી એકવાર કોર્પોરેશનમાં ભાજપને સત્તાના સુત્રો સોંપ્યા છે. ચુંટાયેલા ભાજપનાં પદાધિકારીઓએ કાર્યભાર સંભાળ્યાનાં દોઢ વર્ષ કરતા પણ વધારે સમય થયો છે. આ સમયગાળા દરમ્યાન પ્રજાનાં માટે સુવિધા ઉભી કરવાના બદલે અસુવિધાજનક કામો કરવાના કારણે જૂનાગઢ શહેરની જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે. ખાસ કરીને સૌથી વધારે જાે કોઈ પ્રશ્ન નડતો હોય તો જૂનાગઢ કોર્પોરેશનનાં પદાધિકારીઓનાં મનઘડત અને આડેધડ રસ્તાના કામોને લઈને પ્રજા પરેશાન છે. ગમે ત્યારે ગમે તે વિસ્તારનાં રસ્તા તોડી નાખવામાં આવે અને તેને લઈને પ્રજા ત્રાહીમામ છે. સારામાં સારા સીમેન્ટ રોડ બનાવવામાં આવ્યા હોય અને તેને અઠવાડીયા કે દસ દિવસ કે થોડો સમય થયો હોય ત્યાં જ ફરી પાછા એ જ રસ્તાને તોડી નાખવામાં આવે. કોઈ સવાલ પુછે કે રસ્તો તો સારો બનાવ્યો હતો પરંતુ ફરી પાછો કેમ તોડી નાખ્યો ? તો એવો જવાબ મળે કે પાણીની પાઈપ લાઈનનું કનેકશન, ભુગર્ભ ગટરની લાઈનનું કનેકશન અથવા તો અન્ય કંપનીનાં કેબલ પાથરવાની કામગીરીને લઈને આ રસ્તા તોડી નાખવામાં આવતા હોય છે. આ ઉપરાંત જે તે કામગીરી પુરી થયા બાદ ફરીવાર એજ રસ્તાને રીપેરીંગ અથવા તો નવો બનાવવાનો પણ અઢળક ખર્ચ કરવામાં આવે છે. લોકોમાં સવાલ એ ઉઠે છે કે એક રસ્તો બનાવાનો છે તો આ રસ્તો બનાવતા પહેલા જે કાંઈ પાઈપ લાઈનો મુકવાની હોય તે પહેલેથી જ આયોજનબધ્ધ રીતે પ્લાનીંગ કરી અને મુકવામાં આવે ત્યારબાદ રસ્તાની કામગીરી શા માટે કરવામાં આવતી નથી. અને પ્રજાનાં પૈસાનો મોટાપાયે વેડફાટ વારંવાર શું કામ કરવામાં આવે છે ? તેવો સવાલ સર્વત્ર ચર્ચાનો વિષય છે. જૂનાગઢ શહેરનાં લગભગ મોટાભાગનાં વિસ્તારોમાં રસ્તાની આવી જ હાલત છે. અને જેને લઈને પ્રજા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે.
ચોમાસુ નજીક આવી રહયું છે. પરંતુ શહેરનાં જેટલા પણ રસ્તા તોડેલા છે તેની કામગીરી હજુ પુરી થઈ નથી. ત્યારે ચોમાસામાં લોકોને ભારે મુશ્કેલી પડશે તે પણ એટલી જ સત્ય બાબત છે. દરમ્યાન વગદાર સુત્રોએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં રસ્તાનાં જે કામો અંગે વારંવાર ખોદકામ અને તોડભાંગ કરવામાં આવે છે તેના પાછળ મોટુ ગણીત છે. રસ્તા બનાવી દીધા પછી પાઈપ લાઈનો નાંખવાનું કેમ યાદ આવે છે. તેની પાછળ રહસ્ય છે અને મોટુ નાણાંકીય કૌભાંડ આચરવામાં આવતું હોવાની પણ ચર્ચા થઈ રહી છે. જે તે એજન્સીઓ સાથે ટકાવારીનાં ધોરણે મિલીભગત કરવામાં આવે છે. અને એક રસ્તો બનાવ્યા બાદ કોઈપણ બહારના હેઠળ પાછો રસ્તો તોડાઈ છે, ફરી બનાવાય છે અને નાણાંની મલાઈની કેટલાક પદાધિકારી ‘રોકડી’ કરી લે છે. અને આ ‘રોકડી’ના ચકકરમાં જનતા પીસાઈ રહી છે જેથી જૂનાગઢ શહેરમાં રસ્તાનાં જેટલા કામો અત્યાર સુધીમાં થયા હોય અને બીનજરૂરી રીતે ફરીવાર આ રસ્તા તોડયા હોય તે અંગેનો એક સર્વે કરી અને ખોટુ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે. તેમજ રસ્તાનાં કામોની તટસ્થ તપાસ કરવા પણ માંગણી ઉઠવા પામી છે.
| રસ્તાના ખોદકામ દરમ્યાન ગટરની લાઈન તૂટે તો ખર્ચો લત્તાવાસીઓએ ભોગવવાનો આ કયાંનો ન્યાય જૂનાગઢ શહેરમાં રસ્તાના ખોદકામ કરતા પહેલા માણસાઈની રીતે આજુબાજુનાં લોકો અથવા સોસાયટીનાં પ્રમુખને બોલાવી પ્લાનીંગ કર્યા બાદ જાે કામ કરવામાં આવે તો લોકોની હેરાનગતી ઓછી થાય. પરંતુ સવારે ઘરેથી વાહન લઈને નીકળ્યા બાદ ફરી પરત ઘરે આવતા રસ્તો બંધ હોવાથી વાહન તો એકબાજુ રહયું ચાલીને પણ ઘરે જવાની સ્થિતિ રહેતી નથી. અચાાનક લોકોને પોતાનું ઘર શોધવા ફાફા મારવા પડે છે. ગટરનાં કામમાં લોકો પાસેથી લોકોનાં પૈસે માલ મંગાવવામાં આવે છે. ગટર તો લોકોની પહેલેથી જ હતી તોડી તો તમેને ? તો પછી હતી તેમ કરવામાં શું વાંધો આવે છે ? ગટર તોડયા બાદ લોકોને પોતાના પૈસે ગટરમાં પાઈપ લાઈન નાખવા માટે ખર્ચા કરવા પડે છે. શું મનપાએ એવો કોઈ નિયમ બનાવ્યો હોય કે લોકોએ જ પોતાના ખર્ચે ગટરનો માલ લઈ આવવાનો ? તો જાહેરમાં કેમ નિવદા બહાર પાડવામાં આવતી નથી. આ કૌભાંડ બાબતે પણ લોકોમાં ભારે ચર્ચા જાગી છે. |


