જૂનાગઢમાં વિવિધ બજારોમાં હેલ્પ સેન્ટર શરૂ કરવા માંગ
સાંકડા રસ્તા, આડેધડ વાહન પાર્કિંગ અને ગીચતાને લઈને અનેકવાર ‘ઈમરજન્સી’ સર્જાઈ છે
જૂનાગઢ તા. ૭
જૂનાગઢ શહેરમાં આવેલી વિવિધ બજારોમાં ઓચીંતાની આપતી વખતે એટલે કે ઈમરજન્સીનાં સમયમાં તાત્કાલીક મદદ મળી શકે તે માટે હેલ્પ સેન્ટરો તાત્કાલીક અસરથી કોર્પોરેશન તંત્ર દ્વારા શરૂ કરવા જાેઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.
જૂનાગઢ શહેરની બાંધણી અને ભૌગોલિક સ્થિતી જાેતા શહેરની પ્રખ્યાત બજારો જેવા કે માંગનાથ રોડ, પંચહાટડી ચોક, માલીવાડા રોડ, પોસ્ટ ઓફીસ રોડ, હવેલી ગલી, એમ.જી. રોડ, જેનીલી શોપીંગ સેન્ટર, માંડવી ચોક, દિવાન ચોક, ઢાલરોડ તેમજ ચોકસી બજાર, સોનીબજાર, ટીંબાવાડી રોડ, મધુરમ વિસ્તાર, ઝાંઝરડા રોડ સહીતનાં અનેક વિસ્તારો અને બજારો એવા છે કે જયાં લોકોની અવરજવર સતત રહેતી હોય છે. લોકો જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ખરીદવા આવતા હોય છે. શહેરીજનો ઉપરાંત બહારગામથી આવતા લોકોનો સતત અવરોજાવરો રહેતો હોય છે. જેને કારણે શહેરનાં સંખ્યાબંધ બજારોમાં ભરચકકનો માહોલ રહે છે. ખાસ કરીને લોકોની અવરજવરની સાથે વાહનોની અવરજવર પણ રહે છે. કેટલીક બજારો તો સાવ સાંકડી છે અને તેમાં પણ આડેધડ વાહનોનાં પાર્કિંગને કારણે પણ પરિસ્થિતી ખુબજ ખરાબ બને છે. આ ઉપરાંત રસ્તાઓ ઉપર બેસતા નાના ધંધાર્થી, કેબીન, લારી ધારકોને કારણે પણ સંકડામણ વધે છે. કેટલીક બજારો એવી છે કે, જયાં પગપાળા જવામાં પણ મુશ્કેલી પડતી હોય તો ત્યાં વાહન લઈને તો જવું અતિ મુશ્કેલ બને છે. વર્ષો પહેલાનાં પરંપરાગત બજારોમાં એક ઈંચની જગ્યા પણ વધી શકે તેમ નથી તેની સામે વસ્તીનો વધારો, ટ્રાફીકનો વધારો, આ બધાજ કારણોને કારણે જૂનાગઢની સંખ્યાબંધ બજારોમાં સામાન્ય દિવસોમાં પણ ટ્રાફીકની સમસ્યા જાેવા મળે છે. જયારે તહેવારોના દિવસોમાં તો ખુબજ ટ્રાફીક સમસ્યા રહેતી હોય છે. આ થઈ જૂનાગઢનાં વિવિધ બજારો અને તેની હાલતની.. હવે મુખ્ય વાત ઉપર આવીએ કે માની લો કે સાંકડી બજારોમાં અકસ્માતે કે કોઈપણ કારણસર આગ જેવી ઘટના બને તો તેને બુઝાવવા માટે ફાયર વિભાગના બંબાની જરૂર પડે. હવે સાંકડી બજારોમાં ફાયરની ગાડી પ્રવેશી શકે નહીં અને આગ બુઝાવતા ઘણો સમય લાગે જેને કારણે પરિસ્થિતી વધુ ખરાબ બને તેવી ભીંતિ છે. અને આવું ભુતકાળમાં બન્યું પણ છે. આ ઉપરાંત કોઈને એટેક આવે કે તાત્કાલીક આરોગ્ય સેવા આપવાની થાય તો જેની તબીયત લથડી હોય તે વ્યક્તિને સાંકડી બજારોમાંથી બહાર કાઢતા ભારે જહેમત ઉઠાવવી પડે. અને ત્યારે માંડ એમ્બ્યુલન્સ સુધી પહોંચી શકાય, અને ઘણી વખત સમયસર સારવાર ન મળવાના કારણે મૃત્યુના બનાવો પણ ભુતકાળમાં બનેલા છે. આ ઉપરાંત માંગનાથ સહીતના વિસ્તારોમાં ચોમાસાનાં વારસાદમાં તો પુર જેવી સ્થિતી સર્જાતી હોય છે.
આમ જૂનાગઢ શહેરની વિવિધ બજારો કે જે સાંકડી હોવાના કારણે સંભવીત અકસ્માત, આગનાં બનાવ અથવા ઈમરજન્સી સારવાર આપવાનાં કેસમાં ઝપી હેલ્પ પહોંચાડવા માટે શું કરવું જાેઈએ? તેવો સવાલ આજે ઉઠવા પામ્યો છે. તો આવા સંજાેગોમાં સાંકડી બજારોને ધ્યાને રાખી જે તે બજારોમાં ફાયર માટેનાં સાધનો ઈમરજન્સી મદદ તેમજ જરૂરીયાતમંદને તાત્કાલીક અસરથી ઝડપી પ્રાથમિક સારવાર મળી શકે તે માટે કોર્પોરેશન તંત્ર દ્વારા આવા વિસ્તારોમાં હેલ્પ સેન્ટર શરૂ કરવા માંગણી છે.


