પ્રાચી તીર્થ ખાતે રામદેવપીર મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
ભાદરવી અગિયારસ નિમિત્તે રામાપીર મંદિરે ધામિર્ક કાર્યક્રમો યોજાયા, ડીજેના તાલે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા
(પ્રતિનિધિ દ્વારા)
પ્રાચી તીર્થ તા.ર૩
સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ભાદરવીઅગિયારસના પાવન પર્વ નિમિત્તે રામદેવપીર મહારાજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રાચી તીર્થ ખાતે આવેલા રામાપીર મંદિરે વહેલી સવારથી જ ધામિર્ક માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન તથા પૂજા-અર્ચના માટે ઉમટી પડ્યા હતા. ભાદરવી અગિયારસ નિમિત્તે રામાપીર મંદિરે વિશેષ પૂજા-અર્ચના તથા ધામિર્ક વિધિ કરવામાં આવી હતી. રામદેવપીર મહારાજને શ્રદ્ધાપૂર્વક નમન કરી ભાવિકોએ સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ ડીજેના તાલ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે રામદેવપીર મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રામાં રામદેવપીર મહારાજની શણગારેલી પ્રતિમા સાથે મોટી સંખ્યામાં ભાવિકો, યુવાનો તથા બાળકો જોડાયા હતા. ડીજેના તાલે ભક્તો દ્વારા જય રામદેવપીરના નાદ સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. શોભાયાત્રા દરમિયાન સમગ્ર પ્રાચી તીર્થમાં ધામિર્ક માહોલ છવાઈ ગયો હતો. શોભાયાત્રા વિવિધ મુખ્ય માર્ગો પરથી ફરી પરત રામદેવપીર મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિર ખાતે ધામિર્ક વિધિ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ભક્તોએ ધ્વજને નમન કરી રામદેવપીર મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. ઉજવણીના અંતે બાળકો માટે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધામિર્ક આસ્થા સાથે સેવા અને ભક્તિભાવના સંકલનથી યોજાયેલા આ કાર્યક્રમમાં ભાવિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રાચી તીર્થમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.(તસ્વીર : જાદવભાઈ ચુડાસમા)


