બસ્તરમાં બદલાયો સમય: નક્સલવાદના અંત બાદ વિકાસના નવા અધ્યાયની જાહેરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો દાવો – હવે આદિવાસી વિસ્તારોમાં ડેરી, વનઉત્પાદન અને રોજગારી પર સરકારનું વિશેષ ફોકસ

બસ્તરમાં બદલાયો સમય: નક્સલવાદના અંત બાદ વિકાસના નવા અધ્યાયની જાહેરાત

નવી દિલ્લી તા.19
છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં હવે નક્સલવાદનો પ્રભાવ લગભગ સમાપ્ત થઈ ગયો હોવાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ જણાવ્યું છે. મંગળવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે એક સમયનો ભયગ્રસ્ત ગણાતો બસ્તર હવે શાંતિ અને વિકાસ તરફ આગળ વધી રહ્યો છે.
તેમણે જણાવ્યું કે નક્સલવાદના કારણે વર્ષો સુધી બસ્તર વિસ્તાર વિકાસથી વંચિત રહ્યો હતો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે અને સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે નવી યોજનાઓ પર કામ કરી રહી છે.
ગૃહમંત્રીના જણાવ્યા અનુસાર બસ્તરના આદિવાસી પરિવારોને આત્મનિર્ભર બનાવવા માટે પશુપાલન ક્ષેત્રે ખાસ યોજના તૈયાર કરવામાં આવી રહી છે. સરકાર તરફથી દરેક પરિવાર સુધી ગાય અને ભેંસ પહોંચાડવાની દિશામાં આયોજન થઈ રહ્યું છે, સાથે જ સમગ્ર વિસ્તારમાં ડેરી નેટવર્ક ઉભું કરવાની તૈયારી પણ ચાલી રહી છે.
આ ઉપરાંત જંગલમાંથી મળતા વનઉત્પાદનોનો યોગ્ય લાભ સીધો સ્થાનિક આદિવાસીઓ સુધી પહોંચે તે માટે પણ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે સરકારનો મુખ્ય ઉદ્દેશ વિકાસ સાથે સ્થાનિક લોકોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે.
કાર્યક્રમ દરમિયાન તેમણે સુરક્ષા દળોની કામગીરીની પ્રશંસા કરી અને કહ્યું કે જવાનોના બલિદાન અને સતત અભિયાનના કારણે જ નક્સલવાદ સામે મોટી સફળતા મળી છે. સાથે જ અગાઉની સરકારોની નીતિઓને લઈને કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
કાર્યક્રમમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય સહિત રાજ્ય સરકારના અનેક નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.